હાઇકમાન્ડ કહેશે તો કર્ણાટકનો મુખ્યપ્રધાન બનીશ.. આવું કોણે કહ્યું?
કર્ણાટકના આઇટી પ્રધાન અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ નિવેદન આપ્યું હતું કે જો પાર્ટી હાઇકમાન્ડ કહેશે તો તે રાજ્યમાં મુખ્યપ્રધાન પદ લેવા માટે તૈયાર રહેશે.
સોમવારે ખડગેએ ભાજપ પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે ‘હતાશ ભાજપ નેતાઓ’ના એક વર્ગે રાજ્યમાં કોંગ્રેસ સરકારને પાડવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પાસેથી 1000 કરોડ રૂપિયાની માગ કરી હતી. ખડગેની ટિપ્પણી માંડ્યાના કોંગ્રેસ ધારાસભ્ય રવિકુમાર ગનીગાએ લગાવેલા એ આરોપના જવાબમાં આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપની એક ટીમે કોંગ્રેસના 4 ધારાસભ્યોનો સંપર્ક કરી તેમને ભાજપમાં સામેલ થવા માટે દરેકને 50 કરોડ રૂપિયા રોકડ અને પ્રધાન પદની ઓફર કરી હતી. કર્ણાટકના વર્તમાન મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ ગુરૂવારે નિવેદન આપ્યું હતું કે તેઓ પૂરા પાંચ વર્ષ સુધી મુખ્યપ્રધાન પદે યથાવત રહેશે.
કર્ણાટકમાં હાલની કોંગ્રેસ સરકારના નેતાઓના એક વર્ગમાં અઢી વર્ષના કાર્યકાળ બાદ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થશે તેવી અટકળો વચ્ચે સિદ્ધારમૈયાએ આપેલું આ નિવેદન મહત્વપૂર્ણ છે. તેમણે મીડિયાને કહ્યું, “5 વર્ષ સુધી અમારી સરકાર રહેશે..હું મુખ્યપ્રધાન છું, અને હું જ મુખ્યપ્રધાન રહીશ.” કોંગ્રેસે આ વર્ષના મે મહિનામાં યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તાપક્ષથી હાંકી કાઢી હતી.
જો કે થોડા સમય પહેલા સિદ્ધારમૈયાએ જ ભાજપ પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે રાજ્યમાં ‘ઓપરેશન કમલ’ની તૈયારીઓ ચાલી રહી છે. તેમણે સીધેસીધા તો ભાજપનું નામ ન લીધું પરંતુ જણાવ્યું હતું કે તેમનો કોઇ ધારાસભ્ય આ માટે તૈયાર નથી અને કોઇ ક્યાંય જઇ નથી રહ્યું. ઉપ મુખ્યપ્રધાન ડી કે શિવકુમારે પણ આ નિવેદનને સમર્થન આપતા જણાવ્યું હતું કે ‘મોટું ષડયંત્ર ઘડાઇ રહ્યું છે પરંતુ તે સફળ નહિ થાય. કેટલાક લોકો અમારા ધારાસભ્યોને તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે.’ તેમ ડી કે શિવકુમારે જણાવ્યું હતું.