કર્ણાટકના મુખ્યમંત્રી વિવાદમાં: પોલીસ અધિકારી પર હાથ ઉગામતી તસવીર વાયરલ, VRSની માંગ!

બેલગાવી: કર્ણાટક રાજ્યમાં પાછલા ઘણા દિવસોથી રાજકીય ઉથલ પાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. કર્ણાટકના ચન્નાપટના, શિગગાંવ અને સંદુરમાં પેટા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક પોલીસ અધિકારી પર હાથ ઉપાડતા જોવા મળ્યા. આ ઘટનાએ નવા વિવાદ જન્માવ્યો છે, અને આ ઘટના બાદ અધિકારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS)ની માગણી કરી છે, જેના લીધે રાજ્ય સરકાર પર દબાણ વધ્યું છે.
વિવાદાસ્પદ ઘટના
આખી વાત એમ છે કે બેલગાવીમાં એપ્રિલમાં યોજોયેલી કોંગ્રેસની રેલી દરમિયાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ભાજપની મહિલા કાર્યકરોના વિરોધથી ગુસ્સે થયા હતા. તેમણે સ્ટેજ પરથી ધારવાડના એડિશનલ એસપી નારાયણ બરમણ્ણીને બોલાવીને ઠપકો આપ્યો અને થપ્પડ મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે તેમણે હાથ રોકી લીધો હતો, અને થપ્પડ મારી ન હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના કારણે સરકારની ટીકા થઈ.

અધિકારીનો નિર્ણય અને સરકારનો પ્રયાસ
31 વર્ષથી પોલીસ ખાતામાં સેવા આપતા એએસપી નારાયણ બરમણ્ણીએ આ ઘટનાથી આહત થઈને 14 જૂને VRS માટે અરજી કરી. તેમણે પોતાના પત્રમાં જણાવ્યું કે, આ ઘટનાએ તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડી અને તેઓ હવે સેવા ચાલુ રાખવા માંગતા નથી. પોલીસ અધિકારીને મનાવવા માટે ગૃહમંત્રી જી. પરમેશ્વર અને મંત્રી એચ.કે. પાટીલે વાતચીત કરી, અને બેલગાવીમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસની પોસ્ટ ઑફર કરી, પરંતુ બરમણ્ણી VRSના નિર્ણય પર અડગ રહ્યા.
સરકારની સફાઈ અને અધિકારીનો જવાબ
આ મામલે રાજ્ય ગૃહમંત્રી પરમેશ્વરે જણાવ્યું કે, મુખ્યમંત્રીનો ઇરાદો અધિકારીને અપમાનિત કરવાનો નહોતો, અને તેઓ બરમણ્ણીને યોગ્ય પોસ્ટિંગ આપશે. જ્યારે બીજી બાજુ બરમણ્ણીએ જણાવ્યું કે, તેમણે પોતાની લાગણીઓ વરિષ્ઠ અધિકારીઓ અને મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરી છે, અને હવે તેઓ નિયમિત ફરજ પર પાછા ફર્યા છે. જોકે, હવે પોતાની આગળની યોજના અંગેનો નિર્ણય સરકાર પર છોડ્યો છે.
આ પણ વાંચો…કર્ણાટક સરકારની મોટી જાહેરાત, બેંગ્લોર સિટી યુનિવર્સિટી અને બે શહેરોના નામ બદલ્યા