
કાવેરી જળ વિવાદને મામલે કન્નડ સંગઠનોએ આજે શુક્રવારે કર્ણાટક બંધનું આહ્વાન કર્યું હતું, લોકો બંધને સમર્થન આપી રહ્યા છે. બંધને કારણે બિએમટીસી અને કેએસઆરટીસી બસ ટર્મિનલ પર સન્નાટો જોવા મળ્યો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે બસોના સમયપત્રક અને રૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, છતાં લોકો આવી રહ્યા નથી. બસો દોડી રહી છે, પણ લોકો દેખાતા નથી. બેંગલુરુમાં એક જ અઠવાડિયામાં આ બીજી હડતાલ હશે, કારણ કે ગત મંગળવારે 26 સપ્ટેમ્બરના રોજ શહેરમાં બંધ પાડવામાં આવ્યું હતું.
કર્ણાટક રક્ષા વેદિકે, કન્નડ ચલુવાલી (વતલ પક્ષ) અને કન્નડ ઓક્કુટા સહીત કેટલાક ખેડૂત સંગઠનોએ સવારથી સાંજ સુધી રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કર્યું હતું. જો કે, બેંગલુરુ પોલીસે શહેરમાં કોઈપણ પ્રકારના બંધને મંજૂરી આપી નથી અને મોટા મેળાવડા પર પ્રતિબંધ સાથે કલમ 144 લાદવાની સંભાવના છે.
રાજ્યના વિરોધ પક્ષો ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ (સેક્યુલર) એ પણ બંધને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત હોટલ, ઓટોરિક્ષા અને કાર ચાલકોના સંગઠનોએ પણ બંધને સમર્થન આપ્યું છે. દરમિયાન, રાજ્યના પરિવહન વિભાગે સરકારી પરિવહન નિગમોને તેમની સેવાઓ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. બેંગ્લોરમાં શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. બંધને ધ્યાનમાં રાખીને મંડ્યા જિલ્લામાં ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી) ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત લાદવામાં આવ્યા છે.
બેંગલુરુના વરિષ્ઠ પોલીસ અધિકારીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભારમુકતા કહ્યું હતું કે તમામ પ્રકારના પ્રદર્શન પર પ્રતિબંધ છે. વિરોધ પ્રદર્શન અને રેલીઓ માટે એકમાત્ર માન્ય સ્થળ ફ્રીડમ પાર્ક છે. જો જાનમાલને કોઈ નુકસાન થશે તો વિરોધ કરનાર સંગઠન ખર્ચ માટે જવાબદાર રહેશે.
બંધના આયોજક સંગઠનોએ જણાવ્યું હતું કે શહેરના ટાઉન હોલથી ફ્રીડમ પાર્ક સુધી એક વિશાળ સરઘસ કાઢવામાં આવશે, જેમાં દરેક જગ્યાએથી લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે બંધ સમગ્ર કર્ણાટક માટે છે અને હાઈવે, ટોલ ગેટ, રેલ સેવાઓ અને એરપોર્ટને પણ બંધ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
બેંગલુરુ પોલીસે કાવેરી જળ મુદ્દે વિરોધ કરી રહેલા કન્નડ તરફી સંગઠનોના સભ્યોની અટકાયત કરી હતી.. બેંગલુરુના પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે અમે બંધ અંગે યોગ્ય વ્યવસ્થા કરી લીધી છે. ખાસ કરીને અટ્ટીબેલે સરહદ પર, કારણ કે તે બેંગલુરુ શહેરમાં વાહનો માટે પ્રવેશ સ્થળ છે. અમે લગભગ 200 અધિકારીઓને તૈનાત કર્યા છે. અગાઉ પણ બે સંગઠનોએ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમે સાવચેતીના પગલા તરીકે લગભગ 50 લોકોની અટકાયત કરી છે