બેનર લગાવવા બાબતે કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા, ગોળીબારમાં કોંગ્રેસ કાર્યકર્તાનું મોત

બલ્લારી: કર્ણાટકના બલ્લારીમાં રાજકીય ફરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બેનર લાગવવા મામલે અથડામણ થઇ હતી, જેમાં થયેલા ગોળીબારમાં કોંગ્રેસના એક કાર્યકર્તાનું મોત નીપજ્યું છે.
અહેવાલ મુજબ કોંગ્રેસના કાર્યકર્તા 3 જાન્યુઆરીએ વાલ્મીકિ જયંતિ નિમિતે યોજાનારા એક કાર્યક્રમનું પોસ્ટર લગાવવા વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (બજપ) ના નેતા ગલી જનાર્દન રેડ્ડીના નિવાસસ્થાનની બહાર પહોંચ્યા હતાં. કોંગ્રેસ કાર્યકર્તાઓ બેનરો લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં, ત્યારે જનાર્દન રેડ્ડીનાના સમર્થકોએ વાંધો ઉઠાવ્યો હતો, બંને જૂથો વચ્ચે શાબ્દિક તકરાર થઇ હતી. બંને પક્ષોના કાર્યકર્તા મોટી સંખ્યામાં એકઠા થયા હતાં.
આ દરમિયાન થયેલા ગોળીબારમાં કોંગ્રેસના વિધાનસભ્ય નારા ભરત રેડ્ડીના સમર્થક રાજશેખરનું મોત નીપજ્યું હતું.
ભાજપના વિધાનસભ્ય સામે કેસ નોંધાયો:
મલો વણસતા પથ્થરમારો શરુ થયો હતો, જેને કારણે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. સાવચેતીના ભાગ રૂપે પોલીસે પ્રતિબંધો જાહેર કર્યા છે અને શહેરમાં વધુ પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ અથડામણના કેસમાં ભાજપના વિધાનસભ્ય જી જનાર્દન રેડ્ડી સહિત 11 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
બંને પક્ષોએ આરોપ-પ્રતિઆરોપ:
કોંગ્રેસ વિભાનસભ્ય ભરત રેડ્ડીએ હિંસા માટે ગલી જનાર્દન રેડ્ડીને જવાબદાર ઠેરવ્યા અને તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી માંગ કરી. તેમણે કહ્યું, “અમે શહેરમાં વાલ્મીકિની પ્રતિમા સ્થાપવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. આં કાર્યક્રમને બગાડવા જનાર્દન રેડ્ડીએ આ હિંસા કરાવી છે અને અમારા કાર્યકર્તાની હત્યા કરાવી.”
ગલી જનાર્દન રેડ્ડીએ દાવો કર્યો કે તેમની હત્યાના કાવતરાના ભાગરૂપે હિંસા કરવામાં આવી હતી. તેમણે કહ્યું “બંદૂકધારીઓએ મારા નિવાસસ્થાન પાસે ચારથી પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.”
કર્ણાટક ભાજપના પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ આ મામલે કોંગ્રેસની આકરી ટીકા કરી અને હાઇકોર્ટના વર્તમાન ન્યાયાધીશ દ્વારા સંપૂર્ણ ન્યાયિક તપાસની પણ માંગ કરી.



