
આજની સવાર દરેક ભારતીય માટે ગૌરવ, અભિમાન અને દેશપ્રેમથી નિતરતી સવાર છે. આજના દિવસે જ આપણા વીરજવાનોએ લદ્દાખના કારગિલ પર વિજય મેળવ્યો હતો અને પાકિસ્તાની સેનાને ભો ભેગી કરી દીધી હતી. 26મી જુલાઈએ દરેક ભારતીય દેશ માટે શહીદ થનારા 527 વીરજવાન સામે નતમસ્તક થઈ જાય છે. તેમની અને તેમના પરિવારની કુરબાનીને યાદ કરવાનો અને ફરી ફરીને તેમને સલામ કરવાનો પણ આ દિવસ છે. આ યુદ્ધ પરના આપણા વિજયને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે.
ભારત દર વર્ષે 26મી જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવે છે. કારગિલ યુદ્ધમાં હિમાચલ પ્રદેશના બે હીરો કેપ્ટન વિક્રમ બત્રા અને સિપાહી સંજય કુમારે પરમવીર ચક્રનું સર્વોચ્ચ સન્માન મેળવ્યું હતું. આ યુદ્ધમાં ભાગ લેનાર બ્રિગેડિયર કુશલ ઠાકુરે એક મીડિયા હાઉસને યુદ્ધ સાથે જોડાયેલી દિલધડક વાતો કરી છે, જે આપમા સૌ માટે જાણવી જરૂરી છે. તે સમયે ખુશાલ ઠાકુર (નિવૃત્ત) 18 ગ્રેનેડિયર્સના કર્નલ અને કમાન્ડિંગ ઓફિસર હતા, જેમણે ટાઈગર હિલ પર વિજય મેળવ્યો હતો.

…તે દિવસે આદેશ મળ્યો ને સેના થઈ ગઈ સાવધાન
બ્રિગેડિયર ખુશાલ ઠાકુરે કહ્યું કે 25 વર્ષ પહેલા 1999માં પાકિસ્તાને ફરી એકવાર ભારતના ભરોસા ની હત્યા કરી અને આપણી શાંતિપ્રિયતાને પડકાર ફેંક્યો. તેમણે કારગિલ, દરાજ અને બટાલિકના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી હતી. ભારતીય સેનાને આ વાતની જાણ થતાં જ ઘૂસણખોરોને મારવાના પ્રયાસો શરૂ થઈ ગયા. તે સમયે કોઈએ વિચાર્યું ન હતું કે આ કવાયત એક ભીષણ યુદ્ધની શરૂઆત છે. મારું યુનિટ 18 ગ્રેનેડિયર્સ, જેમાં હું કમાન્ડિંગ ઓફિસર હતો, કાશ્મીર ખીણના માનસબલ વિસ્તારમાં તહેનાત હતો. ત્યાં દરરોજ આતંકવાદીઓ સાથે અમારું એન્કાઉન્ટર થતું હતું. થોડા દિવસોમાં જ અમે 19 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પછી અમને અમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી આદેશ મળ્યો કે પ્લાટૂનને તાત્કાલિક ખસેડવું પડશે.

18 ગ્રેનેડિયરને ટોલોલિંગને મુક્ત કરવાની જવાબદારી મળી
દરાજ સેક્ટરમાં દુશ્મનોએ ટોલોલિંગ, ટાઈગર હિલ અને મોસ્કો ખીણના તમામ મહત્વપૂર્ણ શિખરો પર કબજો કરી લીધો હતો. લેહ, લદ્દાખ અને ઝિયાચેન ગ્લેશિયરની લાઈફલાઈન ગણાતા નેશનલ હાઈવે પર દુશ્મન ભારતીય સેનાની અવરજવરમાં ખલેલ પહોંચાડી રહ્યા હતા. ખુશાલ ઠાકુરે કહ્યું કે 18 ગ્રેનેડિયર્સને ટોલોલિંગના તમામ શિખરોને દુશ્મનોથી કોઈપણ કિંમતે મુક્ત કરાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. અમે વધુ સારી વ્યૂહરચના સાથે ટોલોલિંગ પર બેઠેલા દુશ્મન પર હુમલો કર્યો

ગોળી વાગી ને સાથીએ માથું ખોળામાં ઢાળી દીધું
બ્રિગેડિયર ખુશાલ ઠાકુરે જણાવ્યું કે જે હુમલાનું હું નેતૃત્વ કરી રહ્યો હતો તે દરમિયાન મારા સેકન્ડ ઇન કમાન્ડ લેફ્ટનન્ટ કર્નલ આર વિશ્વનાથનને ગોળી વાગી હતી અને તે મારા ખોળામાં જ મૃત્યુ પામ્યા હતા. આર વિશ્વનાથનને તેમની અદમ્ય હિંમત માટે વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. આખરે 12મી જૂને અમે 2 રાજપૂતાના રાઈફલ્સ સાથે મળીને તોલોલિંગના શિખર પર તિરંગો લહેરાવ્યો અને 14મી જૂને મહત્ત્વનું શિખર પણ જીતી લીધું. તોલોલિંગની લડાઈમાં આપણા બે અધિકારીઓ, બે સુબેદાર અને 21 સૈનિકોએ બલિદાન આપ્યું. ખુશાલ ઠાકુરે કહ્યું કે, 18 ગ્રેનેડિયર્સની બહાદુરી જોઈને સેનાના વરિષ્ઠ અધિકારીઓએ ફરી એક વાર અમને બીજું મહત્ત્વનું કામ સોંપ્યું. હવે અમારે દરાજ સેક્ટરના સૌથી મહત્વપૂર્ણ નાના ટાઇગર હિલને કબજે કરવાનો હતો. અમે ફરી તૈયારી શરૂ કરી અને ટાઈગર હીલને કબ્જે કરવા યુદ્ધનીતિ ઘડી.

અને ટાઈગર હિલ પર લહેરાવ્યો તિરંગો
એ શૌર્યના દિવસો યાદ કરતા તેઓ કહે છે કે 3જી જુલાઈની રાત્રે અમે ટાઈગર હિલ પર ઓલઆઉટ એટેક કર્યો અને સૌથી મુશ્કેલ રસ્તો પસંદ કર્યો. જ્યાંથી જવું અશક્ય હતું તે બાજુથી અમારી ડી કંપની અને ઘાતક પ્લાટૂન ટોચ પર પહોંચી અને દુશ્મનને સ્તબ્ધ કરી દીધા. આખી રાત ભીષણ યુદ્ધ થયું અને અમે ટાઇગર હિલ ટોપ પર અમારો પગ જમાવવામાં સફળ થયા. આ પછી અમે હુમલો ચાલુ રાખ્યો અને 8મી જુલાઈએ અમે સમગ્ર ટાઈગર હિલ પર વિજયનો ધ્વજ લહેરાવ્યો. 26મી જુલાઈ 1999ના રોજ આ યુદ્ધને સમાપ્ત ઘોષિત કરવામાં આવ્યું. જોકે દેશના વીરજવાનોનું લોહી રેડાયું તેનિં દુઃખ આપણને સદા રહેશે. તેમના માનમાં આજે આપણે આ દિવસ મનાવીએ છીએ.
પાકિસ્તાને ક્યારેય ન હતું વિચાર્યું કે તેમની આ નાપાક હરકત તેમને આટલી ભારે પડશે. અહેવાલો અનુસાર પાકિસ્તાને યુદ્ધ વિરામની અપીલ કરી હતી અને તે માટે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટનને હસ્તક્ષેપ કરવા આજીજી કરવી પડી હતી, પરંતુ ભારતના તે સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઘસીને ના પાડી હતી અને જ્યાં સુધી છેલ્લા ઘુષણખોરને હાંકી ન કાઢીએ ત્યાં સુધી યુદ્ધ બંધ નહીં થાય તેમ કહ્યું હતું.
આ પણ વાંચો : છત્તીસગઢમાં માઓવાદીઓનો સેના પર હુમલો, 2 જવાન શહીદ, 4 ઘાયલ

યુદ્ધ કોઈપણ દેશ માટે હિતાવહ ન જ હોઈ શકે. ભારત હંમેશાં શાંતિ અને વાટાઘાટોથી જ મુદ્દાને હલ કરવામાં માનનારો દેશ રહ્યો છે. ભારતના વડા પ્રધાન ગમે તે પક્ષ કે વિચારધારાના રહ્યા હોય, તેમણે હંમેશાં ચર્ચા અને ભાઈચારાની જ શરૂઆત કરી છે, પરંતુ કમનસીબે પડોશી દેશ ભારતના આ પ્રેમભાવને તેમની નબળાઈ સમજવાની ભૂલ વારંવાર કરે છે અને દરેક વખતે આપણી જાંબાજ સેના તેમને ધૂળ ચાટતી કરે છે. દેશની રક્ષા કાજે સરહદ પર તહેનાત દરેક જવાનને સો સો સલામ.