રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખડ ક્યાં છે? કપિલ સિબ્બલે ઉઠાવ્યા ગંભીર સવાલો…

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયાના એક દિવસ બાદ રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામાની જાહેરાત કરી હતી. વિપક્ષે તેમના રાજીનામાને લઈને અનેક અટકળો વહેતી કરી હતી.
જોકે, તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું. પરંતુ જગદીપ ધનખડના રાજીનામાના બે અઠવાડિયા બાદ રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કેટલાક સવાલો ઊઠાવ્યા છે.
શું અમને જાણવા મળશે, જગદીપ ધનખડ ક્યા છે?
સીનિયર વકીલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, શું અમને જાણવા મળશે, તેઓ ક્યા છે? તેઓ સલામત છે? તે કેમ સંપર્કવિહીન છે? અમિત શાહજીને જાણ હોવી જોઈએ! તેઓ આપણા ઉપરાષ્ટ્રપતિ હતા; દેશે ચિંતા કરવી જોઈએ!
હૈબિયસ કૉર્પસની અરજી દાખલ કરવી પડશે?
સોશિયલ મીડિયા પોસ્ટ ઉપરાંત કપિલ સિબ્બલે મીડિયાને જણાવ્યું કે, “મેં તેમના પીએને ફોન કર્યો તો તેણે જણાવ્યું કે, તેઓ આરામ કરી રહ્યા છે. ત્યારબાદ કોઈ વાતચીત થઈ નહીં. તેમના લોકેશનની પણ માહિતી નથી. કોઈ સત્તાવાર માહિતી પણ મળી નથી.”
તેમણે આગળ જણાવ્યું કે, “હવે આપણે શું કરવું જોઈએ. શું આપણે હૈબિયસ કૉર્પસની અરજી દાખલ કરવી પડશે? ધનખડ મારા નજીકના મિત્ર છે, અમે ઘણા કેસ સાથે લડ્યા છીએ. જો અમને એફઆઈઆર દાખલ કરવી પડે, તો તે સારું લાગશે નહીં.
જો સરકાર બાંગ્લાદેશીઓને શોધી શકે છે, તો મને વિશ્વાસ છે કે તે જગદીપ ધનખડને પણ શોધી કાઢશે. જગદીપ ધનખડ પોતાના સત્તાવાર નિવાસસ્થાન પરનથી. તેઓ ક્યાં છે, એ ખબર પડી જાય તો સારું છે. જેથી હું તેમની મુલાકાત કરી શકું.”
ઉલ્લેખનીય છે કે, 21 જુલાઈ 2025ને સોમવારના રોજ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ હતી. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સાંજે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધેલા એક પત્રમાં તેમણે નાદુરસ્ત તબિયતનો ઉલ્લેખ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. 22 જુલાઈ 2022ના રોજ તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…એક જાટ નેતા ઉપરાષ્ટ્રપતિ કઈ રીતે બન્યા, જગદીપ ધનખડ અંગે જાણો 10 અજાણી વાતો?