નેશનલ

સુપ્રીમ કોર્ટમાં ચાલુ હિયરીંગમાં લથડી કપિલ સિબ્બલની તબિયત, CJIએ સુનાવણી અટકાવી

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડના મુદ્દે સુનાવણી દરમિયાન રસાકસીભરી દલીલો વચ્ચે ઓચિંતા જ CJI ચંદ્રચૂડ અને સોલિસીટર જનરલ તુષાર મહેતાએ બધુ અટકાવી દીધું. અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું.

ગુરુવારે જસ્ટિસ ચંદ્રચૂડની આગેવાની હેઠળની બંધારણીય બેંચની સામે ચૂંટણી બોન્ડ મુદ્દે સુનાવણીના ત્રીજા દિવસે કેન્દ્ર વતી દલીલ કરી રહેલા તુષાર મહેતા અચાનક થંભી ગયા હતા અને તેઓ પાાછળ ફરીને વિચારવા લાગ્યા કે સિબ્બલ ક્યાં છે? એ પછી અરજદારો વતી હાજર રહેલા કપિલ સિબ્બલની ટીમે મહેતાને કંઈક કહ્યું. જ્યારે જસ્ટિસ ચંદ્રચુડે તેમને પૂછ્યું કે શું થયું છે, ત્યારે તેમણે કહ્યું કે આ કોઈ અંગત બાબત છે અને સુનાવણી સાથે તેને કોઈ લેવાદેવા નથી.

બ્રેક બાદ સુનાવણી ફરી શરૂ થઇ અને તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે સિબ્બલની તબિયત સારી નથી. તેમણે સિબ્બલને તેમની ચેમ્બરનો ઉપયોગ કરવાની ભલામણ પણ કરી જેથી કપિલ સિબ્બલ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સુનાવણીમાં હાજર રહી શકે. સિબ્બલ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવા પણ પૂછ્યું. આ સાથે જ CJI ચંદ્રચૂડે પણ પહેલ કરતા કહ્યું કે સિબ્બલ સુપ્રીમ કોર્ટના કોન્ફરન્સ રૂમમાં બેસી શકે છે અને વીડિયો લિંક વડે સુનાવણીમાં જોડાઇ શકે છે. કપિલ સિબ્બલે આ વાતને માન્ય રાખી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

લંચ બાદ કપિલ સિબ્બલ કોર્ટ રૂમમાં પરત ફર્યા હતા. આ પછી તુષાર મહેતા અને કપિલ સિબ્બલ બંને તેમના વ્યાવસાયિક ઉત્સાહી અવતારમાં પાછા આવ્યા. સુનાવણીના અંતિમ ભાગમાં બંને વકીલો વચ્ચે રાજકીય સંબંધોને લઈને રસપ્રદ વાતચીત જોવા મળી હતી.

તુષાર મહેતાએ કહ્યું હતું કે કોંગ્રેસને દાન આપનાર કોઈપણ વ્યક્તિ ઈચ્છશે નહીં કે ભાજપને તેની જાણ થાય.
તેમણે વધુમાં જણાવ્યું, “ઉદાહરણ તરીકે, માની લો કે હું કોન્ટ્રાક્ટર તરીકે કોંગ્રેસ પાર્ટીને દાન આપું છું. પણ હું નહિ ઇચ્છુ કે ભાજપને ખબર પડે કારણ કે આવનારા દિવસોમાં ભાજપની સરકાર રચાઇ શકે છે.”

એ પછી સિબ્બલે વચ્ચે પડીને કહ્યું, “એવું લાગે છે કે મારા વિદ્વાન મિત્ર ભૂલી ગયા છે કે હું હવે કોંગ્રેસ પાર્ટીનો સભ્ય નથી.”
આ અંગે સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે સિબ્બલ મધ્યપ્રદેશના એક કોંગ્રેસી નેતા વતી કોર્ટમાં હાજર થયા હતા. સિબ્બલે તરત જ જવાબ આપ્યો કે તુષાર મહેતા પોતે સરકારનું પ્રતિનિધિત્વ કરે છે તેનો અર્થ એ ન થાય કે તેઓ ભાજપના સભ્ય હોય તુષાર મહેતાએ જવાબ આપ્યો, “બિલકુલ નહીં” અને આથી સિબ્બલે કહ્યું, “તો હું પણ કોંગ્રેસનો સભ્ય નથી.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button