કાનપુર લેમ્બોર્ગિની અકસ્માત: VIP ટ્રીટમેન્ટ બાદ પોલીસે ઉદ્યોગપતિના દીકરાની ધરપકડ કરી

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયેલા લેમ્બોર્ગિની અકસ્માતનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, પોલીસ પર આરોપ લગાવવામાં આવી રહ્યા હતાં કે તે શહેરના જાણીતા ઉદ્યોગપતિ કે કે મિશ્રાના દીકરા શિવમ મિશ્રાને આ કેસમાંથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. એવામાં આજે પોલીસે 26 વર્ષીય શિવમની ધરપકડ કરી છે.
ગત રવિવારે બપોરે કાનપુરના વીઆઈપી રોડ પર અકસ્માત સર્જાયો હતો, 10 કરોડ રૂપિયાથી વધુ કિંમતની ઇટાલિયન લક્ઝરી સ્પોર્ટ્સ કાર લેમ્બોર્ગિની રેવ્યુલ્ટોએ કેટલાક વાહનો અને રાહદારીઓને હડફેટે લીધા હતાં.
પોલીસના જણાવ્યા મુજબ કારે પહેલા ઓટોરિક્ષા અને એક પાર્ક કરેલી મોટરસાઇકલને ટક્કર મારી, ત્યાર બાદ કાર ફૂટપાથ પર ચઢી અને વીજળીના થાંભલ સાથે અથડાઈ. આ અકસ્માતમાં ઓટોરિક્ષા ચાલક તૌસીફ અહેમદ અને બે મોટરસાઇકલ સવાર વિશાલ અને સોનુ ત્રિપાઠીને ઈજા પહોંચી હતી. સદભાગ્યે કોઈ જાનહાની થઇ ન હતી.
શિવમને મળી VIP ટ્રીટમેન્ટ:
આ મામલો એટલા માટે ચર્ચાનો વિષય બન્યો કેમ કે પોલીસે શિવમ મિશ્રાને બચાવવાનો પ્રયાસ કર્યો અને તેને VIP ટ્રીટમેન્ટ આપી. અકસ્માત થયાના તુરંત બાદ પોલીસ પહેલા પ્રાઈવેટ બાઉન્સરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં, લેમ્બોર્ગિની કારમાંથી શિવમ મિશ્રા બહાર કાઢ્યો અને તેને ઘટનાસ્થળેથી દૂર લઇ જવાનો પ્રયાસ કર્યો.
થોડી વાર બાદ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લેમ્બોર્ગિની કાર જપ્ત કરી હતી, પરંતુ શિવમ મિશ્રાનો એક પ્રાઈવેટ બાઉન્સર કાર ચલાવીને પોલીસ સ્ટેશન લઇ ગયો. પોલીસ સ્ટેશનમાં કાર પર કોઈ લીસોટાના પડે એ માટે કવરથી વ્યવસ્થિત ઢાંકવામાં આવી. લોકો આરોપ લગાવી રહ્યા છે પુરાવા સાથે છેડછાડ કરવા માટે આવું કરવામાં આવ્યું હતું.
પોલીસે શિવમને બચાવવાનો પ્રયાસ કર્યો!
અકસ્માતમાં ઈજાગ્રસ્ત અહેમદની ફરિયાદના આધારે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા, જીવનને જોખમમાં મૂકવા અને ઇજા પહોંચાડવા સંબંધિત કલમો હેઠળ FIR નોંધી પણ તેમાં શિવમ મિશ્રાનું નામ ગાયબ, FIRમાં “અજાણ્યા ડ્રાઇવર” શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હોબાળો મચ્યા બાદ પોલીસે FIRમાં તેનું નામ વાહન ચાલક તરીકે ઉમર્યું.
પ્રક્રિયાગત ભૂલો બદલ સ્થાનિક ગ્વાલટોલી સ્ટેશન હાઉસ ઓફિસર સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ગ્વાલટોલી પોલીસ સ્ટેશનના એસએચઓ સંતોષ ગૌરને પદ પરથી હટાવ્યા છે.
શિવમ દારૂના નશામાં હતો!
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે શિવમ મિશ્રા દારૂના નશામાં હતો, જો કે પોલીસે મેડીકલ ટેસ્ટ અને ફોરેન્સિક રિપોર્ટની રાજ જોઈ રહી છે. નોંધનીય છે કે શિવમ કાનપુરના જાણીતા ઉદ્યોગપતિ કે.કે. મિશ્રાનો દીકરો છે, તેઓ તમાકુની નિકાસ કરતી પેઢી ચલાવે છે.
આપણ વાંચો: કોરિયન ગેમ કે પારિવારિક તણાવ? મોબાઈલ તપાસથી ખુલશે ત્રણ બહેનોના મોતનું રહસ્ય



