પૈસા અને નોકરીની લાલચ આપી કરવા જતાં હતા ધર્મ પરીવર્તન, પોલીસે મહિલાઓ સહિત બે બસ અટકાવી

કાનપુર: ઉત્તરપ્રદેશ કાનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કથિત રીતે લોકોને ધર્મ પરિવર્તન માટે બે બસોમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ બજરંગ દળના કાર્યકરોની સૂચનાના આધારે પોલીસે બંને બસોને રોકી હતી જેમાં 50 જેટલા પુરૂષો અને મહિલાઓ મુસાફરી કરી રહ્યા હતા. (Kanpur christain Conversion case) પોલીસની સામે બસમાં બેઠેલા સંજય વાલ્મીકી નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેને દીપક અને વિલિયમ નામના બે પાદરી ધર્મ પરિવર્તન માટે ઉન્નાવ લઈ જઈ રહ્યા હતા. હાલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
સમગ્ર મામલો નવાબગંજ પોલીસ સ્ટેશન હેઠળની ગંગા બેરેજ ચોકી પાસેનો છે. જ્યાં બજરંગ દળે પોલીસની મદદથી ઉન્નાવ તરફ જતી બે બસોને રોકી હતી. આરોપ છે કે બંને બસ પુરૂષો અને મહિલાઓથી ભરેલી હતી અને તેમને ધર્મ પરિવર્તન માટે લઈ જવામાં આવી રહ્યા હતા. માહિતી મળતા જ ભારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ધર્મ પરિવર્તન કરાવનાર ગેંગના સભ્યોની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધ્યો છે.
ACP મહેશ કુમારનું કહેવું છે કે બસમાં બેઠેલા વ્યક્તિ સંજય વાલ્મિકીએ આરોપ લગાવ્યો છે કે આ લોકો અમને ધર્મ પરિવર્તન માટે ઉન્નાવ લઈ જઈ રહ્યા હતા, જ્યાં અમને ખ્રિસ્તી બનાવવામાં આવશે અને અમને દર મહિને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. નોકરી વગેરેની લાલચ પણ આપવામાં આવી હતી.
સંજયની ફરિયાદ પર પોલીસે દીપક અને વિલિયમ વિરુદ્ધ FIR નોંધીને તેમને કસ્ટડીમાં લીધા છે અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. જે બસમાં લોકો મુસાફરી કરી રહ્યા હતા તે શહેરની જાણીતી શાળાની હતી.
આ મામલે બજરંગ દળના નેતા કૃષ્ણા તિવારીનું કહેવું છે કે અમને માહિતી મળી હતી કે નવાબગંજ વિસ્તારમાંથી રાત્રે બે બસમાં લોકોને ધર્મ પરિવર્તન માટે ઉન્નાવના એક ખાસ સ્થળે બોલાવવામાં આવ્યા છે. તેમને પૈસાની લાલચ આપવામાં આવી છે. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને મોડી રાત્રે ગંગા બેરેજ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે પ્રશાસનની કાર્યવાહી છતાં કાનપુરમાં ધર્મ પરિવર્તનનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. આ પહેલા ઘાટમપુર અને ચક્રીમાં એક મોટી ગેંગ આવી ધર્મ પરિવર્તન કરાવતી પકડાઈ ચુકી છે. પરંતુ તેમ છતાં ધર્મ પરિવર્તનની ઘટનાઓ અટકી રહી નથી.