કાનપુર બ્લાસ્ટ: ખાલિસ્તાની સંગઠન ‘ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ’એ Email કરીને લીધી જવાબદારી, સુરક્ષાતંત્રની ઊંઘ હરામ!

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં માર્કેટમાં પાર્ક કરેલા બે સ્કૂટરમાં બ્લાસ્ટ થયા પછી સુરક્ષાતંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિસ્ફોટના કેસ મુદ્દે હવે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. કેટલીક મીડિયા ચેનલોને મેઈલ આવ્યો અને તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બ્લાસ્ટ ખાલિસ્તાની સમર્થકોએ કર્યો છે.
આ દાવો સત્ય છે કે, કોઈ નાટક તે મામલે ફરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સે કાનપુર સ્કૂટર બ્લાસની જવાબદારી લીધી છે.
આપણ વાંચો: કાનપુરમાં વિસ્ફોટ: બે સ્કૂટરમાં બ્લાસ્ટ થતા 8 જણ ઘાયલ, ષડયંત્ર કે પછી…
ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સે લીધી જવાબદારી
મેઈલની વાત કરવામાં આવે તો, તેમાં લખવામાં આવ્યું છે કે, ‘આદિત્યનાથની પોલીસ દ્વારા નિર્દયતાથી હત્યા કરાયેલા ઉત્તર પ્રદેશમાં અમારા ત્રણ સિંહના મૃત્યુનો બદલો લેવા માટે આપણી તોડફોડ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.
જથેદાર રણજીત સિંહ જમ્મુના નેતૃત્વમાં અમે ભારત સરકારને આશ્ચર્યચકિત કરતા રહીશું’. એટલું જ નહીં, પરંતુ દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે, કાનપુરમાં આ બ્લાસ્ટ કરીને તેમના માણસો સુરક્ષિત રીતે ત્યાંથી નીકળી ગયાં હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા મેઇલ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી
વધારે વિગતે વાત કરીએ તો, તે મેઈલના અંતમાં ખાલિસ્તાન ઝિંદાબાદ , ફતેહ સિંહ બગ્ગી, સર્વેલન્સ એન્ડ રિકોનિસન્સ યુનિટ, ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ અને 9 ઑક્ટોબર 2025 લખેલું હતું. આ મેઈલને ગંભીરતાથી લેતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ મેઈલ ક્યાંથી આવ્યાં અને કોણે મોકલ્યો તેની તપાસ શરૂ કરવામં આવી છે.
રમકડા બજારમાં પાર્ક કરેલા સ્કૂટરમાં થયો હતો વિસ્ફોટ
સ્કૂટર રમકડા બજાર પાસે પાર્ક કરેલા હતા. તે દરમિયાન અચાનક તેમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં આઠથી વધારે લોકો ઘાયલ થયા હોવાથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. વિસ્ફોટ ગઈકાલે સાંજે 7:15 વાગ્યા આસપાસ થયો હતો. જે લોકો ઘાયલ થયા છે તેમાં એક મહિલા પણ સામેલ છે. તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ લગભગ 500 મીટર દૂર સુધી સંભળાયો હતો.