કન્હૈયા કુમારના ‘સારથી’ બન્યા સચિન પાયલટ
કન્હૈયા કુમારના ‘સારથી’ બન્યા સચિન પાયલટ
નવી દિલ્હીઃ દિલ્હીમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મહત્વની નિમણૂંકો કરી છે. કૉંગ્રેસે રાજસ્થાનના પૂર્વ ડે. સીએમ સચિન પાયલટને પાર્ટીના નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તેમની સાથે વધુ બે નેતાઓની નિમણૂક કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીના પ્રથમ ત્રણતબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે. હવે આગામી ચાર તબક્કામાં જે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે તે બેઠકો માટે કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી દીધી છે. રાજસ્થાનના બે દિગ્ગજ નેતાઓને દિલ્હીની બે મહત્વની બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીની હોટ સીટ ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા સીટ પર કોંગ્રેસે રાષ્ટ્રીય મહાસચિવ અને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્ય પ્રધાન સચિન પાયલટને નિરીક્ષક બનાવ્યા છે. જ્યારે દિલ્હીની પ્રખ્યાત ચાંદની ચોક લોકસભા સીટ પર કોંગ્રેસે ડો.સી.પી.જોશીને નિરીક્ષક બનાવ્યા છે.
કોંગ્રેસે ઉત્તર-પૂર્વ દિલ્હીથી કન્હૈયા કુમારને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ મનોજ તિવારી સામે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસે ચાંદની ચોકથી જેપી અગ્રવાલને મેદાનમાં ઉતાર્યા છે. અહીં તેઓ ભાજપના પ્રવીણ ખંડેલવાલ સામે ચૂંટણી લડી રહ્યા છે. સચિન પાયલોટ અને સીપી જોશી આ બે બેઠકો પર ચૂંટણી સંચાલન અને પ્રચાર સંભાળશે.
સચિન પાયલટ રાજસ્થાનની ઘણી લોકસભા સીટો પર ચૂંટણી પ્રચારમાં સક્રિય હતા. આ સિવાય તેઓ છત્તીસગઢના પ્રભારી મહાસચિવ પણ છે. તેમણે દેશના અન્ય ઘણા રાજ્યોમાં ચૂંટણી રેલીઓ અને રોડ શો પણ કર્યા છે. જ્યારે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડૉ. સીપી જોશી પોતે રાજસ્થાનની ભીલવાડા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે.