નેશનલ

કંગના રનૌતને ખેડૂત આંદોલન મુદ્દે ટિપ્પણી કરવાનું ભારે પડ્યું, હવે રાજદ્રોહનો કેસ ચાલશે

આગ્રા: 2024ની લોકસભાની ચૂંટણીમાં મંડી લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા બાદ કંગના રનૌતના વિવાદિત નિવેદનો ઓછા થઈ ગયા છે. જોકે, પોતાના જૂના વિવાદિત નિવેદનોને લઈને કંગના રનૌતને હવે કોર્ટના ધક્કા ખાવાની નોબત આવી શકે છે કારણ કે, એક વકીલે કંગના રનૌત સામે રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની તૈયારી કરી લીધી છે. આ વકીલ કોણ છે અને કંગના રનૌત સામે કયા રાજદ્રોહનો મુકદ્દમો ચાલવાનો છે, આવો જાણીએ.

કંગના રનૌતની વિવાદિત ટિપ્પણીનો ઇતિહાસ

દેશને સાચી આઝાદી 2014માં મળી હતી. 1947માં મળી તે તો ભીખ હતી. આવા અનેક વિવાદિત નિવેદનોને લઈને કંગના રનૌત ચર્ચામાં આવી હતી અંતે તે ભાજપમાં પણ જોડાઈ ગઈ હતી. આગળ જતા 2024ની લોકસભાની ચૂંટણીમાં તે સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવી હતી.

જોકે, સાંસદ બન્યા બાદ પણ કંગના રનૌતે ખેડૂત આંદોલનને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કંગના રનૌતે કહ્યું હતું કે, ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન મૃતદેહો લટકી રહ્યા હતા અને બળાત્કાર થઈ રહ્યા હતા.

જોકે, ખેડૂત આંદોલન અંગે કંગના રનૌતે કરેલી ટિપ્પણીને ભાજપે વ્યક્તિગત ગણાવી હતી. પરંતુ હવે તમામ પ્રકારની ટિપ્પણીઓને લઈને રાજીવ ગાંધી બાર એસોસિએશનના અધ્યક્ષ એડવોકેટ રમાશંકર શર્માએ કંગના રનૌત પર રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની તૈયારી કરી છે.

આપણ વાચો: 50 રૂપિયાનું વેચાણ, 15 લાખનો ખર્ચ… કંગના રનૌતની રેસ્ટોરાની હાલત જોઈ ચોંકી જશો

કોર્ટની નોટિસનો કંગનાએ ન આપ્યો જવાબ

એડવોકેટ રમાશંકર શર્માએ મીડિયાને જણાવ્યું કે, “મેં 11 સપ્ટેમ્બર 2024ના રોજ આગ્રાની એક સ્થાનીક કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કંગના રનૌતની એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં કંગના રનૌત દ્વારા ખેડૂત સમુદાયનું અપમાન કરવામાં આવ્યું હતું. આ સિવાય મહાત્મા ગાંધી સહિત સ્વતંત્રતા સેનાનીઓ વિરૂદ્ધ દેશવિરોધી ટિપ્પણી કરવામાં આવી હતી.”

રમાશંકર શર્માએ આગળ જણાવ્યું કે, આ અરજીને લઈને કોર્ટે કંગના રનૌતને ઘણીવાર નોટિસ મોકલી હતી. પરંતુ કંગના રનૌત કે તેના પ્રતિનિધિ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. કોર્ટે કંગના રનૌતને પોતાનો પક્ષ રાખવાની તક આપી હતી, પરંતુ તેના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી ન હતી.”

આપણ વાચો: કંગના રનૌતની મુશ્કેલીઓ વધશે, માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો

મને આશા છે કે ન્યાય મળશે: રમાશંકર શર્મા

એડવોકેટ રમાશંકર શર્માની અરજીને લઈને કોર્ટે 9 જાન્યુઆરી 2025ના રોજ પોલીસને આદેશ આપ્યો હતો કે, અરજીકર્તા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને પુરાવાના આધારે એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવામાં આવે. એડવોકેટ રમાશંકર શર્મા તમામ પ્રકારની વિગતો અને પુરાવા કોર્ટમાં રજૂ કરી ચૂક્યા હતા.

પરંતુ કંગના રનૌત તરફથી કોઈ જવાબ ન મળવાને કારણે તથા પ્રતિક્રિયામાં વિલંબના કારણે કોર્ટે આ અરજીને રદ કરવામાં આવી હતી. જેને લઈને એડવોકેટ રમાશંકર શર્માએ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જેનો હવે કોર્ટે સ્વીકાર કરી લીધો છે અને ફરીથી સુનાવણી શરૂ કરી દીધી છે.

એડવોકેટ રમાશંકર શર્માએ જણાવ્યું કે, “મારી આ અરજી કેસને ફરી શરૂ કરવા અને આરોપોની ઊંડી ન્યાયિક તપાસ સુનિશ્ચિત કરવાની માંગ કરે છે. કોર્ટે તેને નવેસરથી સુનાવણી કરવા માટે સુચીબદ્ધ કર્યું છે.

મને આશા છે કે ન્યાય અવશ્ય મળશે.” સૂત્રોના જણાવ્યાનુસાર, આ કેસની સુનાવણી આગામી અઠવાડિયાઓમાં થાય એવી સંભાવના છે. આ સુનાવણી દરમિયાન સાંસદ કંગના રનૌત હાજર રહેશે કે કેમ, એ જોવાનું રહેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button