કંગના રનૌતે ડોનાલ્ડ ટ્રમ્પને જીત બદલ આપ્યા અભિનંદન, એક રસપ્રદ ફોટો પણ શેર કર્યો

મુંબઈ: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જીત નોંધાવી (Donald Trump won US presidential election) છે. તેઓ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે તૈયાર છે. ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરીસ સામે જીત બાદ ટ્રમ્પને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે પણ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. સાથે એક રસપ્રદ ફોટો પણ શેર કર્યો છે.
કંગના રનૌતે ચૂંટણીમાં જીત બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતા એક એઆઈ જનરેટેડ ફોટો શેર કર્યો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભગવા કપડા પહેરીને લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે, ટ્રમ્પ સાથે બિઝનેસમેન ટાઈકૂન ઈલોન મસ્ક પણ જોવા મળી રહ્યા છે. કંગનાએ લખ્યું છે- “ટ્વીટર પર આ આજનો શ્રેષ્ઠ મીમ છે, ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન.”
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. વડા પ્રધાન મોદીએ X પર લખ્યું કે “મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ, ઐતિહાસિક ચૂંટણી જીત બદલ હાર્દિક અભિનંદન. તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓને આધારે આ જીત મેળવી છે. હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટેના સહયોગને નવી રીતે આગળ લઇ જવા આતુર છું.”
ઈઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુએ પણ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે, “પ્રિય ડોનાલ્ડ અને મેલાનિયા ટ્રમ્પ, વ્હાઇટ હાઉસમાં તમારા ઐતિહાસિક પુનરાગમન અમેરિકા માટે નવી શરૂઆત છે, તથા ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના મહાન સંબંધોને વધુ મજબુત બનાવશે. આ એક મોટી જીત છે.”