Kangana Ranaut વધુ એક બફાટ બાદ વધુ એક વાર માફી માંગી, કહ્યું- મારે ધ્યાનમાં રાખવું જોઈએ કે….
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌત (Kangana Ranaut) ફરી એક વાર વિવાદમાં ફસાઈ છે. એક મીડિયા ઈન્ટરવ્યું દરમિયાન કંગનાએ જણાવ્યું હતું કે પાછા ખેંચાયેલા ત્રણ કૃષિ કાયદો ફરી લાગુ કરવા જોઈએ. ભાજપે કંગનાના નિવેદનનું ખંડન કર્યું હતું અને આ ટીપ્પણીને કંગનાનું અંગત મંતવ્ય ગણાવ્યું હતું. ત્યાર બાદ કંગનાએ x પર વિડીયો પોસ્ટ કરી માફી માંગી લીધી છે. તેણે કહ્યું કે હું મારા શબ્દો પાછા ખેંચું છે.
કંગનાનું માફીનામું:
મંડી લોકસભા સીટથી પ્રથમ વખત સાંસદ બનેલી કંગના રનૌતે બુધવારે એક વીડિયો મેસેજ જાહેર કરી કહ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયાએ મને કૃષિ કાયદાઓ પર પ્રશ્નો પૂછ્યા અને મેં સૂચન કર્યું કે ખેડૂતોએ વડાપ્રધાનને આ કાયદા પાછા લાવવાની વિનંતી કરવી જોઈએ. મારા આ નિવેદનથી ઘણા લોકો નિરાશ થયા છે.’
તેમણે કહ્યું કે, ‘જ્યારે કૃષિ કાયદાઓ રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે અમારામાંથી ઘણા લોકોએ તેનું સમર્થન કર્યું હતું. પરંતુ સંવેદનશીલતા અને સહાનુભૂતિના કારણે વડાપ્રધાને કાયદાઓ પાછા ખેંચી લીધા. તેમના શબ્દોની ગરિમા જાળવવી એ તમામ કાર્યકરોની ફરજ છે. મારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે હું હવે કલાકાર નથી પણ ભાજપની કાર્યકર છું. મારા મંતવ્યો મારા પોતાના ન હોવા જોઈએ, પાર્ટીનું સ્ટેન્ડ હોવું જોઈએ, જો મારા શબ્દો અને વિચારથી કોઈને ઠેસ પહોંચી હોય તો મને એનું દુઃખ છે, હું મારા શબ્દો પાછા ખેંચું છું.”
કંગનાએ અગાઉ શું કહ્યું હતું:
કંગના રનૌતે મંડીમાં કાર્યકર્તાઓ સાથેની મીટિંગ બાદ મીડિયા સાથે વાત કરતા કૃષિ કાયદા અંગે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે મુદ્દો વિવાદાસ્પદ હોઈ શકે છે. પણ ત્રણ કૃષિ કાયદાઓ ફરી લાગુ કરવા જોઈએ.
તેનું આં નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ આ બાબતે ભાજપને ઘેરી લીધો. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન આવા નિવેદનથી નુકસાનની સંભાવનાને જોતા ભાજપે નિવેદનનું ખંડન કર્યું.
બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ મંગળવારે રાત્રે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે કંગનાએ જે કહ્યું તે તેમનો અંગત અભિપ્રાય હોઈ શકે છે અને પાર્ટીનો નહીં. આ પહેલા પણ પાર્ટીએ કંગનાને સાવચેતીથી બોલવાની ચેતવણી આપી હતી.
Also Read –