કમલનાથ પ્રદેશાધ્યક્ષ પદ છોડશે? આજે કોંગ્રેસની મંથન બેઠક, 230 ઉમેદવારો રહેશે હાજર
ભોપાલ: વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધી સૌથી ખરાબ રીતે હારી ગયેલ કોંગ્રેસની આજે હાર અંગે મનોમંથન કરવા માટે એક બેઠક યોજાનાર છે. ત્યારે આ બેઠકમાં કોંગ્રેસના કેટલાંક નેતાઓ કમલનાથ પાસે પ્રદેશાધ્યક્ષ પદેથી રાજીનામું આપે તેવી માંગણી કરશે એવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
પ્રદેશ કોંગ્રેસ કમિટીએ જાહેર કરેલ પત્રક મુજબ પક્ષે જેટલાં ઉમેદવારોને ટિકીટ આપી હતી એ તમામ 230 મેદવારોને બેઠક માટે મંગળવારે ભોપાલ બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ કમલનાથ ચૂંટણીમાં જીતેલા અને હારેલા ઉમેદવારો સાથે સંવાદ સાધશે.
મધ્ય પ્રદેશમાં છવાયેલા કેસરીયા રંગ વચ્ચે કોંગ્રેસ માત્ર 66 બેઠકો જીતી શકી છે. ત્રણ વર્ષ પહેલાંની કમલનાથ સરકારના લગભગ બધા જ પ્રધાનો પી.સી. શર્મા, તરુણ ભાનોત, કમલેશ્વર પટેલ, જીતૂ પટવારી, સજ્જન સિંહ વર્મા, પ્રિયવ્રત સિંહ, હૂકમ સિંહ કરાડા, ડો. વિજયલક્ષ્મી સાધો આ બધા જ નેતાઓનો પરાજય થયો છે. કમલનાથ અને દિગ્વિજય સિંહ વચ્ચે પોત-પોતાના સમર્થકોને ટિકીટ અપાવવા માટે થયેલ સંઘર્ષ પણ અનેક ઉમેદવારોની હારનું કારણ બન્યું હોવાનું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યાં છે. ત્યારે હવે મધ્ય પ્રદેશમાં કારમી હાર બાદ કેટલાંક નેતાઓ કમલનાથ પાસે પ્રદેશાધ્યક્ષ પદેથી રાજીનામું માંગશે તેવી ચર્ચાઓ થઇ રહી છે.
દરમીયન કમલનાથે મંગળવારે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની મુલાકાત લઇ તેમને શુભેચ્છા આપી હતી. બંને વચ્ચે 30 મિનિટ કરતાં વધુ સમય માટે ચર્ચા પણ થઇ હતી. ત્યારે આઝની મંથન બેઠકમાં કોંગ્રેસ નેતૃત્વ સ્તરે શું નિર્ણય લેશે તેની તરફ બધાનું ધ્યાન છે.