કમલનાથની ભાજપમાં એન્ટ્રી અંગે ફરીથી નિવેદનબાજી, મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું….

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા કમલનાથના ભાજપમાં જોડાવાની ચર્ચા થઇ હતી. હવે ફરી એક વાર કમલનાથના ભાજપમાં જોડાવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ હવે કોંગ્રેસ નેતા પર નિવેદન આપ્યું છે. અગાઉ કમલનાથના ભાજપમાં જોડાવાના સમાચાર અંગે કૈલાશ વિજયવર્ગીયે સખત વિરોધ કર્યો હતો, પણ હવે તેઓ થોડા કુણા પડ્યા છે અને કમલનાથના વખાણ કરી રહ્યા છે.
મધ્ય પ્રદેશમાં તાજેતરના સમયમાં પાર્ટીથી નારાજ કૉંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા છે. નવી જોડાનાર ટીમના લીડર પૂર્વ પ્રધાન ડૉ. નરોત્તમ મિશ્રાને માનવામાં આવે છે. જોકે, પડદા પાછળ કૈલાશ વિજયવર્ગીયની પણ આમાં મોટી ભૂમિકા છે.
ભાજપ કાર્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કૈલાશ વિજયવર્ગીયએ કમલનાથના ભાજપમાં જોડાવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે કમલનાથ સારા વ્યક્તિ છે, જો તેઓ આવશે તો તેમનું સ્વાગત કરવામાં આવશે.
આ પહેલા ફેબ્રુઆરીમાં પણ કમલનાથ અને નકુલ નાથ બીજેપીમાં જોડાશે તેવી ચર્ચા હતી. બંને દિલ્હી જવા રવાના થયા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કમલનાથ ભાજપમાં જોડાઇ શકે છે, પરંતુ બાદમાં સજ્જન સિંહ વર્માએ આ અટકળોને પાયાવિહોણી ગણાવી હતી અને કમલનાથના બીજેપીમાં જોડાવાના સમાચારને નકારી કાઢ્યા હતા.