કે કવિતાએ AAPને ₹25 કરોડ ચૂકવવા શરથ રેડ્ડી પર દબાણ કર્યું હતું, CBIનો દાવો
નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI)એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં આરોપી ભારત રાષ્ટ્ર સમિતિ(BRS)ના નેતા કે કવિતા ગંભીર આરોપ લગાવ્યા છે. શુક્રવારે સ્પેશિયલ કોર્ટ પાસે કે કવિતાની કસ્ટડી માંગતી વખતે CBIએ જણાવ્યું કે કે કવિતા એ કથિત રૂપે ઓરોબિંદો ફાર્માના પ્રમોટર શરથ ચંદ્ર રેડ્ડીને દિલ્હીમાં પાંચ રિટેલ ઝોનના ખોલવાની મંજુરી આપવાના બદલામાં આમ આદમી પાર્ટીને ₹25 કરોડ આપવા દબાણ કર્યું હતું. કોર્ટે કે કવિતાની 15 એપ્રિલ સુધીની કસ્ટડી મંજુર કરી છે.
CBIએ કે કવિતા પર આરોપ લગાવ્યો હતો કે તેણે શરથ ચંદ્ર રેડ્ડીને ધમકી આપી હતી કે તે આમ આદમી પાર્ટીને કથિત કિકબેક માટે પૈસા નહીં ચૂકવે તેના બિઝનેસને નુકસાન પહોંચાડશે. દિલ્હી લિકર પોલિસી કેસમાં સહ આરોપી શરથ ચંદ્ર રેડ્ડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો અપ્રુવર બની ગયો છે..
CBIએ વિશેષ કોર્ટના ન્યાયાધીશ કાવેરી બાવેજાને જણાવ્યું હતું કે રેડ્ડીએ તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતાના આગ્રહ અને ખાતરી પર જ દિલ્હીમાં દારૂના બીઝનેસમાં ભાગ લીધો હતો.
CBIએ આક્ષેપ કર્યો છે કે “દલ્હીમાં દારૂના હોલસેલ બિઝનેસ માટે કે કવિતાએ શરથચંદ્ર રેડ્ડીને ₹25 કરોડની અપફ્રન્ટ મની અને દરેક રિટેલ ઝોન માટે ₹5 કરોડની ચૂકવણી દિલ્હી સરકારમાં આમ આદમી પાર્ટીને આપવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત તેના સહયોગીઓ અરુણ આર. પિલ્લઈ અને અભિષેક બોઈનપલીને પણ રકમ ચુકવવા કહેવામાં આવ્યું હતું, જેઓ વિજય નાયર સાથે સંકલન કરશે, વિજય નાયર અરવિંદ કેજરીવાલના પ્રતિનિધિ હતા.”
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે માર્ચમાં કે કવિતાની ધરપકડ કરી હતી. સીબીઆઈએ તેની પૂછપરછના દિવસો બાદ ગુરુવારે તેની ધરપકડ કરી હતી