12TB ડેટા, 4 PIOs સાથે સંપર્ક… જ્યોતિ મલ્હોત્રાના મોબાઇલ અને ગેજેટ્સના ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસા

હિસ્સાર: જમ્મુ અને કશ્મીરના પહલગામ થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાનની જાસૂસી જાળને તોડી પાડવા તપાસ એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. કથિત રીતે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જ્યોતિ મલ્હોત્રા(Jyoti Malhotra)ની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેના પાકિસ્તાન સાથેના કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. એવામાં જ્યોતિના મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ફોરેન્સિક રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટમાં, જ્યોતિના પાકિસ્તાન માટે જાસૂસી કરવાના પુરવા મળ્યા છે.
જ્યોતિના મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો રિપોર્ટ હરિયાણાના હિસાર પોલીસને મળ્યો છે. હિસાર પોલીસે જ્યોતિના મોબાઇલ અને લેપટોપમાંથી 12TB ડિજિટલ ફોરેન્સિક ડેટા કબજે કર્યો છે. પોલીસે હાલ જ્યોતિની કસ્ટડી માંગી નથી. ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ બાદ કસ્ટડી માંગવામાં આવશે.
ગ્રુપ ચેટના પુરાવા ન મળ્યા:
એક અહેવાલમાં આપવમાં આવેલી માહિતી મુજબ પ્રારંભિક માહિતીમાં જ્યોતિના ખાતામાં શંકાસ્પદ મની ટ્રેઈલ મળી આવી છે. જ્યોતિ ચાર પાકિસ્તાની ઈન્ટેલીજન્સ ઓફિસર્સ(PIOs) ના સંપર્કમાં હતી અને તેમની ઓળખથી વાકેફ હતી. ડિજિટલ ડેટામાં કોઈ ગ્રુપ ચેટના પુરાવા નથી, પરંતુ ફક્ત વન-ઓન-વન વાતચીતના પુરાવા મળ્યા છે.
અચાનક ફોલોઅર્સ વધ્યા:
અહેવાલ મુજબ પાકિસ્તાનની તેની પહેલી મુલાકાત બાદ ISI અને પાકિસ્તાન ગૃહ મંત્રાલયની મંજૂરીથી તેને સ્પેશિયલ વિઝા અને સુરક્ષા આપવામાં આવી હતી. તેમના પાકિસ્તાન પ્રવાસના વીડિયો પબ્લિશ થયા બાદ તેના ફોલોઅર્સ અને વ્યૂઝમાં અચાનક વધારો થયો હતો.
હિસાર પોલીસના જણાવ્યા અનુસાર, જ્યોતિએ જાણી જોઈને ISI ના પ્લાનમાં સાથ આપ્યો હતો, જેથી તેને સુવિધાઓ મળતી રહે. તેને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને લલચાવવા માટે ISI ની એક પદ્ધતિ છે. જ્યોતિ પાસેથી મળેલા ડિજિટલ પુરાવા એટલા મજબૂત છે કે તેની સામે અનેક કલમો હેઠળ કેસ દાખલ કરી થઇ શકે છે.
જોકે, અત્યાર સુધી હિસાર પોલીસને અત્યંત સંવેદનશીલ માહિતી લીક થવાના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસ જ્યોતિને મળેલા ફંડના સોર્સની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…કોર્ટમાં જ્યોતિ મલ્હોત્રાને ના મળી શક્યા તેના પિતા, કહ્યું – મને કોઈએ ખોટો…