જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં રજૂ; 200 થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા…

નવી દિલ્હી: ગત માર્ચ મહિનામાં દિલ્હી હાઈકોર્ટમાં ફરજ દરમિયાન નિવાસ સ્થાનેથી મોટી માત્રામાં કેસ મળી આવવાના મામલે જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ ચલાવવામાં આવી (Justice Varma impeachment) રહ્યો છે. આજે સોમવારે લોકસભામાં કુલ 145 સાંસદો અને રાજ્યસભામાં 63 સાંસદોએ જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ ચલાવવા પ્રસ્તાવ રજુ કર્યો છે.
નોંધનીય છે કે ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ન્યાયાધીશ સામે મહાભિયોગ પ્રસ્તાવ પસાર થઇ શકાયો નથી, જો આ યશવંત વર્મા સામે પ્રસ્તાવ સંસદમાંથી પસાર થઇ જશે, તો ઈતિહાસમાં આવો પહેલી ઘટના નોંધાશે. જસ્ટિસ વર્મા વિરુદ્ધ બંધારણની કલમ 124, 217 અને 218 હેઠળ મહાભિયોગ ચલવવામાં આવી રહ્યો છે.
લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરનારા સાંસદોમાં અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજીવ પ્રતાપ રૂડી, પીપી ચૌધરી, સુપ્રિયા સુળે અને કેસી વેણુગોપાલનો સમાવેશ થાય છે. કોઈ પણ ન્યાયાધીશને હટાવવાના પ્રસ્તાવ રજુ કરવા માટે લોકસભામાં ઓછામાં ઓછા 100 અને રાજ્યસભામાં 50 ઓછામાં ઓછા સાંસદોની સહમતી હોવી જરૂરી છે. આ પ્રસ્તાવને ગૃહના અધ્યક્ષ/સભાપતિ સ્વીકારી શકે છે અથવા નકારી પણ શકે છે.
ગઈ કાલે રવિવારે, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે 100 થી વધુ લોકસભા સાંસદોએ મહાભિયોગની નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે. કોંગ્રેસના સાંસદ કે સુરેશે જણાવ્યું હતું કે પાર્ટીએ મહાભિયોગને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.
આ વર્ષે માર્ચ મહિનામાં દિલ્હીમાં જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી, અને આગ બુજાવવા દરમિયાન સ્ટોરરૂમમાંથી બળી ગયેલી ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતાં, ત્યાર બાદ આ મામલે કાર્યવાહી શરુ થઇ હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમનું અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશને વિરોધ પ્રદર્શન કર્યું અને જસ્ટિસ વર્માના મહાભિયોગની માંગ કરી હતી.
જો કે જસ્ટિસ વર્માએ આરોપો ફગાવી દીધા હતાં, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ઇન-હાઉસ તપાસ પેનલે તેમને દોશી ઠેરવ્યા હતાં.