જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ લાવવાની તૈયારીઃ 100થી વધુ સાંસદે કર્યાં હસ્તાક્ષર, સંસદમાં રજૂ થશે પ્રસ્તાવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે 100થી વધુ સાંસદે જસ્ટિસ યશવંત વર્માને હટાવવા માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવા માટે નોટિસ પર હસ્તાક્ષર કરી દીધા છે, જેનાથી લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે જરૂરી સમર્થન મળી ગયું છે.
સર્વદળીય બેઠક બાદ રિજિજૂએ પત્રકારોને જણાવ્યું હતું કે હસ્તાક્ષર પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવશે તે નક્કી કરવાનું કામકાજ સલાહકાર સમિતિ પર છે. કોઇ ન્યાયાધીશને હટાવવાના પ્રસ્તાવ પર લોકસભામાં ઓછામાં ઓછા 100 અને રાજ્યસભામાં 50 સાંસદોના હસ્તાક્ષર હોવા જોઇએ. આ પ્રસ્તાવ લોકસભામાં રજૂ થવાની શક્યતા છે.
સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે, તેથી સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે સંસદના આ સત્રમાં જ પ્રસ્તાવ રજૂ કરશે અને “ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર” સામેના આ પગલામાં તેને વિપક્ષ સહિત વિવિધ પક્ષોનો ટેકો મળી રહ્યો છે.
આ પણ વાંચો: જસ્ટિસ વર્માના ભ્રષ્ટાચારની તપાસ પણ થવી જોઈએ…
જ્યારે રિજિજુને પૂછવામાં આવ્યું હતું કે શું સત્રના પહેલા અઠવાડિયામાં આ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે ત્યારે તેમણે કહ્યું હતું કે, “હું પ્રાથમિકતાના ધોરણે કોઈપણ કાર્ય પર ટિપ્પણી કરી શકતો નથી, કારણ કે જ્યાં સુધી આ પ્રસ્તાવ અધ્યક્ષની મંજૂરીથી બીએસી તરફથી પ્રસ્તાવ પસાર ન થાય ત્યાં સુધી મારા માટે કંઈ કહેવું મુશ્કેલ છે.
અગાઉ તેમણે મીડિયાને જણાવ્યું હતું કે વર્માને હટાવવાના પ્રસ્તાવ પર તમામ રાજકીય પક્ષો સંમત થયા હતા. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર એ ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર બાબત છે. ન્યાયતંત્ર એ સ્થાન છે જ્યાં લોકોને ન્યાય મળે છે. જો ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર હોય તો તે બધા માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેથી ન્યાયમૂર્તિ યશવંત વર્માને હટાવવાના પ્રસ્તાવ પર તમામ રાજકીય પક્ષોના હસ્તાક્ષર હોવા જોઈએ.”
આ પણ વાંચો: જસ્ટિસ વર્માને પદ પરથી હટાવવા માટે પૂરતા પુરાવા; તપાસ સમિતિએ રીપોર્ટ રજુ કર્યો
નોંધનીય છે કે માર્ચ મહિનામાં દિલ્હી હાઈ કોર્ટના તત્કાલિન ન્યાયાધીશ વર્માના નિવાસસ્થાને આગ લાગ્યા બાદ સળગી ગયેલા ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના દ્વારા નિયુક્ત ત્રણ ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોની સમિતિએ તેમને દોષિત ઠેરવ્યા હતા. ખન્નાએ આ મામલો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલ્યો હતો અને રાજીનામું આપવાનો વર્માએ ઈનકાર કરતા તેમને હટાવવાની ભલામણ કરી હતી.
વર્માને બાદમાં અલાહાબાદ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પરંતુ તેમને ન્યાયિક કાર્ય સોંપવામાં આવ્યા ન હતા. તેમણે પોતાનો બચાવ કર્યો અને સમિતિના તારણો સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.