બિલ્કીસ બાનોના કેસ સિવાય જસ્ટિસ નાગરથ્નાએ આપ્યા હતા ઐતિહાસિક ચુકાદાઓ, જાણો ક્યા કેસ છે
નવી દિલ્હી: બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીવી નાગરથ્નાએ ગુનેગારોને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. શાંત સ્વભાવ ધરાવતા જસ્ટિસ નાગરથ્ના પોતાના કડક ચુકાદાઓ માટે જાણીતા છે. નોટબંધીથી લઈને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં પણ નાગરથ્નાનું કડક વલણ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. બિલ્કીસ બાનો કેસમાં પણ જસ્ટિસ નાગરથનાએ ગુજરાત સરકારને સખત ઠપકો આપ્યો હતો.
30 ઓક્ટોબર 1962ના રોજ જન્મેલા નાગરથ્ના 31 ઓગસ્ટ 2021ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. નાગરથ્નાએ 28 ઓક્ટોબર 1987ના રોજ વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી.
2016માં નરેન્દ્ર મોદી સરકારના રૂ.500 અને રૂ.1000ની નોટો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે બહુમતીના આધારે માન્ય જાહેર કર્યો હતો. આ બેંચમાં જસ્ટિસ નાગરથ્નાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે 8 નવેમ્બર 2016ના નોટબંધીના નિર્ણયને ખોટો અને ગેરકાયદે ગણાવ્યો હતો.
કર્ણાટક હાઈ કોર્ટમાં જજ હતા ત્યારે જસ્ટિસ નાગરથ્નાએ ગેરકાયદેસર બાળકો અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કાયદાએ એ વાતને માન્યતા આપવી જોઈએ કે ગેરકાયદેસર માતાપિતા હોઈ શકે છે, પરંતુ બાળકો ક્યારેય ગેરકાયદેસર હોતા નથી.
જસ્ટિસ નાગરથનાએ જાહેર અધિકારીઓની અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સંબંધિત એક કેસમાં પોતાના બહુમતી ચુકાદો આપતા કહ્યું હતું કે નફરતભર્યા ભાષણનો ઉપયોગ બંધારણના મૂળભૂત મૂલ્યો પર હુમલા સમાન છે. વાણી સ્વાતંત્ર્ય એક આવશ્યક અધિકાર છે. તેના દ્વારા લોકોને ગવર્નન્સ વિશે માહિતી આપવામાં આવે છે. પરંતુ તેમાં અભદ્રતા ન હોવી જોઈએ. જસ્ટિસ નાગરથનાએ દ્વેષપૂર્ણ ભાષણને ગંભીર અપરાધ ગણાવ્યો હતો.
નાગરથ્નાએ 1987માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે બેંગલુરુની ઘણી કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી હતી. તેમણે બંધારણીય કાયદો, વાણિજ્ય અને વીમા કાયદો, સેવા કાયદો, વહીવટી કાયદો, જમીન અને ભાડાંનો કાયદો, કૌટુંબિક કાયદામાં નિષ્ણાત માનવામાં આવે છે.
પોતાની 30 વર્ષની કારકિર્દીમાં નાગરથનાએ ઘણા મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. 2008માં નાગરથનાને કર્ણાટક હાઈ કોર્ટમાં વધારાના જજ બનાવવામાં આવ્યા હતા. માત્ર બે વર્ષ બાદ 2010માં તેમને હાઈ કોર્ટમાં કાયમી જજ બનાવવામાં આવ્યા હતા. તે 11 વર્ષ સુધી હાઈ કોર્ટમાં જજ રહ્યા બાદ 2021માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તે 25 સપ્ટેમ્બર 2027ના રોજ દેશના 54મા મુખ્ય ન્યાયાધીશ બનશે.