જુનૈદ-નાસિર હત્યા કેસ: હરિયાણા પોલીસે ગૌરક્ષક મોનુ માનેસરની ધરપકડ કરી

હરિયાણાના ભિવાનીમાં રાજસ્થાનના બે લોકો નાસિર અને જુનૈદનું અપહરણ અને હત્યા કેસમાં આરોપી મોનુ માનેસરની હરિયાણા પોલીસે ધરપકડ કરી છે. ગૌ રક્ષક મોનુ માનેસર હરિયાણાના નૂહ વિસ્તારમાં હિંસા ભડકાવવાના કેસમાં પણ આરોપી છે. હરિયાણા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી અને કથિત ગૌ રક્ષક મોનુ માનેસરને રાજસ્થાન પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભરતપુર પોલીસ નાસિર-જુનૈદ હત્યા કેસમાં મોનુ માનેસરની પૂછપરછ કરશે.
મળતી માહિતી મુજબ, છેલ્લા એક વર્ષથી હરિયાણા અને રાજસ્થાનની પોલીસ અનેક ગંભીર કેસોમાં સંડોવાયેલા મોનુ માનેસરને શોધી રહી હતી. બંને રાજ્યોની પોલીસે ગુરુગ્રામના માનેસરના રહેવાસી મોહિત યાદવ ઉર્ફે મોનુ માનેસરની ધરપકડ કરવાના અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં બજરંગ દળના ગાય સંરક્ષણ ટાસ્ક ફોર્સ યુનિટ વડા તરીકે પોતાને રજૂ કરનાર મોનુ માનેસરને આ વર્ષે 31 જુલાઈના રોજ નૂહમાં હિંસા ભડકાવવાના કેસમાં પણ આરોપી બનાવવામાં આવ્યો હતો. નૂહ હિંસા પહેલા, મોનુ માનેસર અને બિટ્ટુ બજરંગીનો એક ભડકાઉ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
મોનુ માનેસર ઉર્ફે મોહિત યાદવ ગૌરક્ષકો દ્વારા થતા હુમલાના વીડિયો પોસ્ટ કરવા માટે કુખ્યાત છે. તે ‘લવ જેહાદ’ વિરુદ્ધના અભિયાનોમાં પણ સક્રિય છે. તે 2015 માં ગાય સંરક્ષણ અધિનિયમના અમલીકરણ પછી હરિયાણા સરકાર દ્વારા રચાયેલ જિલ્લા ગાય સંરક્ષણ ટાસ્ક ફોર્સના સભ્ય પણ હતો. યુટ્યુબ અને ફેસબુક પર મોનુ માનેસરના હજારો ફોલોઅર્સ છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર હથિયારો અને કાર કર સાથેના ફોટો પોસ્ટ કરતો રહે છે.