જૌનપુર (ઉત્તર પ્રદેશ): સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષે તેની પત્ની અને સાસરિયાઓના ત્રાસને કારણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા સુભાષે સુસાઈડ નોટ અને વીડિયોમાં અનેક આરોપો લગાવ્યા હતા. સુભાષે તેની સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો હતો કે દેશમાં પુરુષો માટે કોઈ કાયદા નથી. આ મામલે નેટીઝનોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યા બાદ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની પત્ની અને ભાઈની ધરપકડ કરવામાં આવી છે.
હવે બેંગલુરુ પોલીસ જજ રીટા કૌશિક સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. તેમનું નામ સુસાઈડ નોટમાં છે. તેનાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે. આ કેસની સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશના જૌનપુરની ફેમિલી કોર્ટના જજ રીટા કૌશિકે અતુલ સુભાષની હાંસી ઉડાવી હતી અને કહ્યું હતું કે જો તે પૈસા ન ચૂકવી શકે તો જીવ આપી દે. તેની નોંધમાં સુભાષે જજ કૌશિક દ્વારા ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો હતો. દરમિયાન પોલીસે શનિવારે અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગ સિંઘાનિયાની ધરપકડ કરી છે. જે બાદ હવે એવું માનવામાં આવે છે કે જજ સરિતા કૌશિકની મુશ્કેલીઓ વધી જશે.
એક વરિષ્ઠ IPS અધિકારીએ સોમવારે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અમે ન્યાયાધીશની સામે ડેથ નોટમાં ઉલ્લેખિત તમામ આરોપોની તપાસ કરીશું. તપાસ અધિકારી પાસે આ મામલાની તપાસ કરવાની તમામ સત્તા છે. જો કે, કોઈપણ પગલાં લેતા પહેલા કાનૂની સલાહ લેવામાં આવશે, કારણ કે સુસાઈડ નોટમાં જજ પર લાંચ લેવાના અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
સુસાઇડ નોટમાં અતુલે 21 માર્ચ 2024ની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. આ કેસ જજ રીટા કૌશિકની ચેમ્બરમાં હતો. નોટમાં અતુલે ઉલ્લેખ કર્યો હતો કે તે અને તેની પત્ની નિકિતા જજ સમક્ષ હાજર હતા. દરમિયાન, અતુલે કોર્ટમાં જણાવ્યું હતું કે તે વધુ પૈસા ચૂકવવામાં અસમર્થ છે. આના પર તેની પત્ની નિકિતાએ કહ્યું હતું કે જો તમે પૈસા ચૂકવી શકતા નથી તો ‘તમે આત્મહત્યા કેમ નથી કરતા’. તેની આવી વાત પર સજા કે કોઈ કાર્યવાહી કરવાને બદલે જજ રીટા કૌશિક હસ્યા હતા. આ પહેલા સુભાષે જજને સંબોધીને કહ્યું હતું કે, “મેડમ, જો તમે NCRBના આંકડા જુઓ તો સાબિત થાય છે કે લાખો લોકો ખોટા કેસોને કારણે આત્મહત્યા કરી રહ્યા છે. જજે આના પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.
Also read: અતુલ સુભાષની પત્ની રૂપિયા 22 લાખમાં ડિવોર્સ માટે સમંત થઈ હતી પણ…
અતુલ સુભાષે 9 ડિસેમ્બરે બેંગ્લુરુમાં પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ પહેલા તેણે સોશિયલ મીડિયા પર 24 પાનાની સુસાઈડ નોટ અને દોઢ કલાકનો વીડિયો અપલોડ કર્યો હતો. તેમાં તેણે તેની પત્ની નિકિતા, માતા નિશા, ભાઈ અનુરાગ અને કાકા સુશીલ સિંઘાનિયા ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે તેઓ પૈસા માટે તેને ત્રાસ આપતા હતા. આ પત્રમાં તેણે જજ કૌશિક પર 5 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ પણ લગાવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા બાદ બેંગ્લોર લાવવામાં આવ્યા છે. પત્ની નિકિતા, તેની માતા નિશા અને તેના ભાઈ અનુરાગને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જોકે, કાકા સુશીલ સિંઘાનિયાને વચગાળાના જામીન મળી ગયા છે.