કર્ણાટકમાં ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના નામે જુઠ્ઠું બોલ્યા? જાણો શું છે મામલો…

બેંગલુરુ: ભારતનું ન્યાયતંત્ર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આ મહિનાની શરૂઆતમાં દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી બળી ગયેલા રોકડ રૂપિયાના બંડલ મળી આવ્યા હતા, ત્યાર બાદ અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાએ ‘બાળાત્કારના પ્રયાસ’ના કેસમાં ચોંકાવનારો ચુકાદો આપ્યો જતો, સુપ્રીમ કોર્ટે પણ આ જજની ટીકા કરી હતી. એવામાં કર્ણાટકની એક સિવિલ કોર્ટના જજે વધુ એક વિવાદ ઉભો (Karnataka Civil court Judge) કર્યો છે.
કર્ણાટકના એક ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને અરજી ફગાવી દીધી. ત્યાર બાદ જાણવા મળ્યું કે જે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકવામાં આવ્યા હતા એ ચુકાદા સુપ્રીમ કોર્ટે ક્યારેય આપ્યા જ ન હતાં. અહેવાલ મુજબ આ ચુકાદો આપનાર ન્યાયાધીશ સામે તપાસ શરૂ થઈ શકે છે. કર્ણાટક હાઈકોર્ટે સિવિલ જજ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.
આ પણ વાંચો: યુપીના ઉર્જા પ્રધાનના ભાષણ દરમિયાન જ વીજળી જતી રહી, અધિકારીઓ સસ્પેન્ડ
શું છે સમગ્ર મામલો?
અહેવાલ મુજબ, કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચેલો આ કેસ સિવિલ રિવિઝન અરજી સાથે જોડાયેલો છે. પ્રતિવાદીઓ સમ્માન કેપિટલ લિમિટેડ અને સમ્માન ફિનસર્વ લિમિટેડ વતી કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં બેંગલુરુના સિવિલ જજ દ્વારા આપવામાં આવેલા આદેશને પડકારવામાં આવ્યો છે. આ કેસમાં વાદી તરીકે રિયલ્ટી કંપની મંત્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને અન્યોના નામ સામેલ છે
હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે મંત્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય વાદીઓએ સન્માન કેપિટલ અને અન્ય પ્રતિવાદીઓ પાસેથી શેર ગીરવે મૂકીને લોન લીધી હતી. લેણદાર ડિફોલ્ટ થયા પછી, લોન આપનારે સપ્ટેમ્બર 2024 માં એક નોટિસ જાહેર કરી, જેમાં શેર ટ્રાન્સફર કરવાની માંગણી કરવામાં આવી. જેની સામે, મંત્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડે બેંગલુરુ કોમર્શિયલ કોર્ટમાં કેસ દાખલ કર્યો, જેમાં લોન આપનાર દ્વારા કરવામાં આવતી આગળની કાર્યવાહી પર કાયમી સ્ટેની માંગ કરવામાં આવી.
1 ઓક્ટોબર 2024 ના રોજ, મંત્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડે કેસ પાછો ખેંચી લીધો અને ફરીથી બેંગલુરુની સિટી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો. લોન આપનાર વતી એક અરજી દાખલ કરવામાં આવી હતી કે આ કેસ રદ કરવામાં આવે કારણ કે સિટી સિવિલ કોર્ટ પાસે કેસની સુનાવણી કરવાનો અધિકારક્ષેત્ર નથી. તેમણે અરજીમાં કહ્યું હતું કે તેની સુનાવણી ફક્ત કોમર્શિયલ કોર્ટમાં જ થવી જોઈએ.
આ પણ વાંચો: દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી…
અહેવાલ મુજબ, 9મા એડિશનલ સિટી સિવિલ જજે સુપ્રીમ કોર્ટના બે ચુકાદાનો ઉલ્લેખ કરીને લોન આપનારની અરજી ફગાવી દીધી છે. સિવિલ કોર્ટના જજે M/s. Jalan Trading Co. Pvt. Ltd. vs. Millenium Telecom Ltd અને M/s. Kvalrner Cemintation India Ltd. vs. M/s. Achil Builders Pvt. Ltd ચુકાદાનો ઉલ્લેખ કર્યો. પાછળથી ખબર પડી કે આ બંને ચુકાદાનું કોઈ અસ્તિત્વ નથી.
હાઈ કોર્ટે શું કહ્યું?
24 માર્ચે કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ દેવદાસે કહ્યું, “એ ચિંતાજનક બાબત છે કે સિટી સિવિલ કોર્ટના જજે બે ચુકાદા ટાંક્યા છે, જે ચુકાદા સુપ્રીમ કોર્ટ કે અન્ય કોઈ કોર્ટ દ્વારા ક્યારેય આપવામાં જ આવ્યા નથી. જજ આપેલા આ ચુકાદા સામે વધુ તપાસ અને કાર્યવાહીની જરૂર છે. આ મામલો મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવશે.”
કેસની સમીક્ષા કર્યા પછી, ન્યાયાધીશ દેવદાસે કહ્યું કે વાદીઓ પાસે કોઈ કારણ નથી કે તેઓ કમર્શિયલ સ્યુટ પાછો ખેંચી લે અને સિવિલ સ્યુટ દાખલ કરે.