જ્યુબિલી હિલ્સ કોંગ્રેસનુંઃ 24,000થી વધુ મતથી નવીન યાદવની જીત, જાણો વિજયનું કારણ?

હૈદરાબાદ: બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણાણ છે ત્યારે મહત્વના બીજા સમાચાર પણ પ્રકાશમાં આવ્યાં છે. તેલંગણામાં હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સ વિધાનસભામાં પેટાચૂંટણીનું પણ પરિણામ આવ્યું છે. જ્યુબિલી હિલ્સ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નવીન યાદવે ભવ્ય વિજય મેળવી છે. પરિણામની વાત કરવામાં આવે તો આ બેઠક પર થયેલા મતદાનની 10 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી હતી. દસમા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારને 98,988 વોટ મળ્યાં છે, જ્યારે સામે બીઆરએસના ઉમેદવારને 74,259 વોટ મળ્યાં છે.
સુનીતા ગોપીનાથને હરાવી નવીન યાદવે જીત મેળવી
હૈદરાબાદની જ્યુબિલી હિલ્સ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ભારત રાષ્ટ્ર સમિતિના મહિલા ઉમેદવાર મગંતી સુનિતા ગોપીનાથને હરાવીને જીત મેળવી છે. સુનીતા ગોપીનાથને 74,259 મત મળ્યાં, જ્યારે નવીન યાદવને 98,988 છે. આ જ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દીપક રેડ્ડીને માત્ર 17,061 મત જ મળ્યાં છે. એટલે કે કોંગ્રેસના ઉમેદવારને કુલ 24,729 મતોથી વિજય મળ્યો છે. નવીન યાદવની જીત થતાં કોંગ્રેસમાં ખુશીની લાગણીઓ છવાઈ હતી. જોકે, બિહારમાં કોંગ્રેસ પાર્ટી કઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી.
મતદાનની વાત કરવામાં આવે તો, જ્યુબિલી હિલ્સ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં 48.49 ટકા મતદાન થયું હતું. જ્યુબિલી હિલ્સ વિધાનસભા ક્ષેત્રમાં કુલ મળીને 4.01 લાખ મતદારો છે. જેમાંથી માત્ર 1.94 લાખ મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 98,988 મત માત્ર એકલી કોંગ્રેસને મળ્યાં હતા. હૈદરાબાદમાં કોંગ્રેસની પકડ મજબૂત હોય તેવું લાગી રહ્યું છે.
મગંતી ગોપીનાથનું નિધન થતા પેટાચૂંટણી યોજાઈ
ભારત રાષ્ટ્ર સમિતિના ધારાસભ્ય મગંતી ગોપીનાથનું જૂનમાં નિધન થયું હતું. જેના કારણે જ્યુબિલી હિલ્સ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે સીધો જંગ હતો. કોંગ્રેસના ઉમેદવાર નવીન યાદવ અને બીઆરએસના ઉમેદવાર મગંતી સુનિતા ગોપીનાથ વચ્ચે આ જંગ જામ્યો હતો, જેમાં કોંગ્રેસના નવીન યાદવની જીત થઈ છે. આ જીતનું કારણ એવું પણ માનવામાં આવે છે કે, તેલંગણામાં કોંગ્રેસને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનનો પણ ટેકો મળેલો છે.



