
લોકસભાની ચૂંટણીમાં હવે 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં અને મીડિયા હાઉસને મુલકાત આપવામાં વ્યસ્ત છે. હાલમાં જ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ એક જાણીતા મીડિયા હાઉસ સાથે વાત કરી હતી.
આ પ્રસંગે તેમણે બંધારણ બદલવાના ભાજપના ઉમેદવારોના નિવેદન પર પણ જવાબ આપ્યો હતો. નડ્ડાએ જણાવ્યું હતું કે બંધારણમાં ફેરફાર કરવાનો ભાજનો કોઇ ઇરાદો નથી. ભાજપ બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધ છે. જોકે, ક્યારેક ક્યારેક એવું થાય છે કે ભાજપના ઉમેદવારો ભાષણ આપતી વખતે ઉત્સાહમાં આવી જાય છે અને લાઇન ક્રોસ કરી નાખે છે. જોકે, રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે બંધારણમાં ફેરફાર કરવાનો ભાજપનો ઈરાદો ક્યારેય નહોતો અને એવો ઈરાદો ક્યારેય રહેશે નહીં.
તાજેતરમાં ચૂંટણી પ્રચાર સમયે ઘણા ભાજપ ઉમેદવારોના નિવેદન સામે આવ્યા છે, જેમાં તેમણે બંધારણમાં ફેરફાર કરવાની વાત ઉચ્ચારી છે, જેના કારણે વિપક્ષ ભાજપ પર બંધારણ બદલવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવી રહ્યો છે. જોકે, નડ્ડાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપનો કે વડા પ્રધાન મોદીનો બંધારણમાં ફેરફાર કરવાનો કોઇ ઇરાદો નથી.
પીએમ મોદીએ તો એમ પણ સ્પષ્ટ કર્યું છે કે બાબા સાહેબ ઈચ્છે તો પણ બંધારણ બદલી શકાય તેમ નથી. આ દરેક ઉમેદવારોનો પોતાનો અંગત મત છે. ભાષણ આપવાના ઉત્સાહમાં ક્યારેક તેઓ મર્યાદા ઓળંગી જાય છે, પણ ભાજપનો એવો ઇરાદો કયારેય નહોતો અને ભવિષ્યમાં પણ ભાજપનો આવો કોઇ ઇરાદો નથી. બંધારણમાં સુધારાઓ થતા રહે છે, પણ બંધારણની મૂળ ભાવના તો હંમેશા એ જ રહેશે. આપણે એને બદલી શકીએ નહીં.
જ્યારે નડ્ડાને સવાલ કરવામાં આવ્યો કે શું ભાજપના આગમનથી અનામતનો અંત આવશે? ત્યારે આ સવાલનો જવાબ ના માં આપતા તેમણે જણાવ્યું હતું કે ભાજપ સામે ઘણા સમયથી આવા જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે. આવી વાતો કરીને ભાજપને દલિત વિરોધી દર્શાવવાનું કામ થઈ રહ્યું છે, પણ ભાજપ હંમેશા દલિતોની તરફેણમાં રહ્યો છે. દલિતોની તરફેણમાં જેટલું કામ મોદી સરકારે કર્યું છે એટલું કોઈએ કર્યું નથી.
જ્યારે નડ્ડાને સવાલ કરવામાં આવ્યો કે રાહુલ ગાંધી કહે છે કે ભાજપ 150 સીટો સુધી સીમિત થઇ જશે, તો તેના જવાબમાં નડ્ડાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને કોઇ ગંભીરતાપૂર્વક નથી લેતું. તેઓ ક્યારેય વિચારીને નથી બોલતા. થોડા સમય પહેલા જ તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આવી જશે, પણ પરિણામ સાવ ઉલ્ટા જ આવ્યા હતા.