બિહારમાં ફરી પત્રકારની હત્યા, પત્રકારનો મૃતદેહ આંબાના ઝાડ પર લટકતો મળી આવ્યો
મુઝફ્ફરપુર: બિહારમાં ગુનેગારોને કાયદાઓ ડર જ ના રહ્યો હોય એવું લાગી રહ્યું છે, જૂનના છેલ્લા અઠવાડિયામાં મુઝફ્ફરપુર(Muzaffarpur, Bihar) માં પત્રકાર શિવ શંકર ઝાની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. એવામાં આજે ફરી એકવાર મુઝફ્ફરપુરમાં જ વધુ એક પત્રકારની હત્યા (Murder of Journalist) કરવામાં આવી છે. તુર્કી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પત્રકારની લાશ ઝાડ સાથે લટકતી મળી આવી હતી. આ ઘટના પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની તકેદારીઓ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
એક અહેવાલ મુજબ પત્રકાર ગૌરવ કુશવાહનો મૃતદેહ તુર્કી પોલીસ સ્ટેશન વિસ્તારના ખારિયાર ગામમાં આંબાના ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. ગ્રામજનોએ મૃતદેહને જોઇને ચોંકી ઉઠ્યા હતા, ત્યાર બાદ ઘટનાની માહિતી તુર્કીના પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. FSLએ ઘટના સ્થળેથી સેમ્પલ એકત્ર કર્યા છે. પરંતુ આ ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
પત્રકાર ગૌરવ કુશવાહનો મૃતદેહ તેમના ઘરથી માત્ર 300 મીટર દૂર કેરીના બગીચામાં અંબાના ઝાડની ડાળી પર લટકતો મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘરની આટલી નજીક આ હત્યા કોણે કરી હશે? પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે.
તુર્કી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર પત્રકાર ગૌરવનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો છે. આ કેસમાં ગૌરવના સંબંધીઓ, નજીકના મિત્રો અને તેના મિત્રો પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ગૌરવની કોલ ડિટેઈલમાંથી કેટલીક કડીઓ મળવાની આશા છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ બિહારના મુઝફ્ફરપુરમાં એક પત્રકારની હત્યા કરવામાં આવી હતી. 25 જૂનની મોડી રાત્રે મણિયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્રકાર શિવશંકર ઝાની હત્યા કરવામાં આવી હતી. શિવશંકર ઝા પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક અજાણ્યા ગુનેગારોએ તેમને ઘેરી લીધા અને છરી વડે હુમલો કર્યો, જેમાં શિવશંકર ઝામૃત્યુ નીપજ્યું હતું.