
જોશીમઠ: ઉત્તરાખંડમાં આવેલા જોશીમઠ (Joshimath) અને આસપાસના વિસ્તારોમાં ફરી ખતરો વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિસ્તારમાં જમીન ધસી રહી છે જેને કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, ત્યારે હવે નવી સમસ્યા ઉદ્ભવી છે.
જોશીમઠ અને બદ્રીનાથ વચ્ચેના હાઈવે પર ખાડા જોવા મળી રહ્યા છે. આ ખાડાની ઊંડાઈ ઘણી વધારે છે જ્યારે ખાડા બે થી ત્રણ ફૂટ પહોળા છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એક્શનમાં આવી ગયું છે અને ખાડાઓને પુરવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ આવા ખાડાઓની ઘટનાને કારણે સ્થાનિકો ચિંતામાં વધારો થયો છે.
ગયા વર્ષે જોશીમઠમાં જમીન ધસી જવાની ઘટનાઓ બની હતી. કેન્દ્ર સરકારે તે સમય દરમિયાન જોશીમઠની સમસ્યાને ગંભીરતાથી લીધી હતી. ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતા હેઠળની સમિતિએ જોશીમઠ માટે રૂ. 1658.17 કરોડની રીકવરી અને રિકન્સ્ટ્રકશન યોજના (R&R)ને મંજૂરી આપી હતી. તે દરમિયાન કહેવામાં આવ્યું હતું કે આ રિકવરી પ્લાન આગામી 3 વર્ષમાં લાગુ કરવામાં આવશે.
જમીન ધસી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જોશીમઠને ‘સિંકિંગ ઝોન'(sinking zone) જાહેર કરવામાં આવ્યો હતો. અહીંથી 4000થી વધુ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ જમીન અને ઈમારતોમાં તિરાડો દેખાવા લાગી અને ધીરે ધીરે તિરાડો પહોળી થવા લાગી અને લગભગ 23,000 લોકોની વસ્તી ધરાવતા શહેરના રહેવાસીઓ માટે આ ઘટના દુઃસ્વપ્ન સમાન બની ગઈ.