ઉત્તરાખંડમાં કોંગ્રેસને ઝટકોઃ ટિકિટ નહીં મળતા અસંતોષ, પ્રવક્તાએ આપ્યું રાજીનામું

હલ્દવાની: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી સત્તાધારી અને વિપક્ષ વતી ઉમેદવાર જાહેર જાહેર કર્યા પછી ટિકિટ નહિ મળનારા નેતામાં અસંતોષ વધી રહ્યો છે, જેમાં આજે ઉત્તરાખંડમાંથી કોંગ્રસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપતા પાર્ટીને ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે.
ગઈકાલે રાતે કોંગ્રેસે પોતાના ઉમેદવારની ચોથી યાદી બહાર પાડી હતી. કોંગ્રેસે પ્રકાશ જોશીને નૈનીતાલ લોકસભાની ટિકિટ મળતાની સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા દીપક બલુટિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના ઉત્તરાખંડના પ્રભારીને મોકલી આપ્યું છે.
એટલું જ નહીં, હરદ્રારથી હરિશ રાવતના દીકરા વિરન્દ્ર રાવતને ટિકિટ આપવાથી નારાજ થઈને કોંગ્રેસના પ્રવક્તાપદેથી રાજીનામું આપી દીધું છે. ઉત્તરાખંડની પાંચ સીટ પરથી 19મી એપ્રિલના યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસે હરદ્વાર અને ઉધમસિંહની નગરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી. કોંગ્રેસની યાદીમાં નૈનીતાલથી રાહુલ ગાંધીના નજીકના પ્રકાશ જોશીને ટિકિટ આપી છે, જ્યારે હરદ્વારથી હરીશ રાવતના દીકરા વિરેન્દ્ર રાવતને ટિકિટ આપતા દીપક બલુટિયાએ રાજીનામું આપ્યું છે.
દીપક બલુટિયાએ પત્રમાં લખ્યું હતું કે મને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી છે. કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે હું 35 વર્ષથી સતત લોકસેવાની સાથે પ્રજાના પ્રશ્નોને પણ ઉઠાવી રહ્યો છું. મારે વધુ સારી રીતે સમાજની સેવા કરવી છે. મારા પ્રેરણા સ્ત્રોત સ્વ. ઉત્તરાખંડના પ્રિય નેતા અને વિકાસ પુરૂષ હતા. હું નારાયણ દત્ત તિવારીના આદર્શોને અનુસરીને તેમના વિકાસની સાથે સાથે સમાજની સેવા કરવા માંગુ છું અને તેમના વારસાને આગળ ધપાવવા માંગુ છું, પરંતુ કોંગ્રેસમાં હું એક એવા વિદ્યાર્થી જેવો અનુભવ કરું છું જેણે ખૂબ જ મહેનત કરી પણ પરીક્ષામાં ક્યારેય બેસવા દીધો નહોતો.