ભારત જોડો યાત્રા ચાલુ છે: દિલ્હીના રેલ્વે સ્ટેશન પર કુલી બન્યા રાહુલ ગાંધી, સમાન ઊંચક્યો
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી જનસંપર્ક વધારવા આવારનવાર સામાન્ય લોકો વચ્ચે પહોંચી તેમની સાથે વાતચીત કરી તેમની સમસ્યા સંભાળે છે. એવામાં હવે રાહુલ ગાંધી આજે ગુરુવારે સવારે દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે કુલીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી પણ કુલીના કપડા પહેરેલા જોવા મળ્યા હતા.
વીડિયોમાં રાહુલ ગાંધી લાલ શર્ટ પહેરેલા જોઈ શકાય છે અને અન્ય એક વ્યક્તિ પણ તેમની મદદ કરતો જોવા મળે છે. રાહુલ ગાંધીએ કુલીનો બિલ્લો પણ પહેર્યો હતો. તેઓ મુસાફરોનો સામાન પણ માથે ઊંચકી સ્ટેશનમાં લઇ ગયા હતા.
રાહુલ ગાંધીને મળ્યા બાદ સ્ટેશન પરના કુલી અને ઓટો ડ્રાઈવર ખૂબ જ ખુશ દેખાતા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ખૂબ ખુશ છે કે રાહુલ ગાંધી અહીં અમને મળવા આવ્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કુલીઓને ખાતરી આપી છે કે તેઓ તેમની તમામ સમસ્યાઓ સરકાર સમક્ષ મૂકશે અને સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, રાહુલ ગાંધી આજે દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર કુલી સાથીદારોને મળ્યા. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રેલ્વે સ્ટેશનના કુલી સાથીઓએ તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે બાદ આજે રાહુલ ગાંધી તેમને મળવા આવ્યા છે અને શાંતિથી બધાની વાત સાંભળી છે. ભારત જોડો યાત્રા ચાલુ છે.