નેશનલ

સાધ્વી પ્રેમ બાઈસાનું રહસ્યમય મોત: પિતા અને કેરટેકરની પૂછપરછ, શું આ હત્યા છે?

જયપુરઃ રાજસ્થાનના જોધપુરમાં જાણીતા કથાવાચક સાધ્વી પ્રેમ બાઈસાના અચાનક થયેલા અવસાનથી અનેક સવાલો ઉભા થયા છે. 28 જાન્યુઆરીના બનેલી આ ઘટનામાં હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ કુદરતી મૃત્યુ હતું કે કોઈ સુનિયોજિત કાવતરું.

આ મામલાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ હવે તપાસનો દોર તેજ કર્યો છે. એફએસએલની ટીમે બોરાનાડા સ્થિત આરતી નગર આશ્રમની ફરી મુલાકાત લઈને મહત્વના નમૂના એકત્ર કર્યા છે, જેના આધારે મોતનું સાચું કારણ શોધવા પ્રયાસો થઈ રહ્યા છે.

આ પણ વાંચો : સાધ્વી પ્રેમ બાઇસાના રહસ્યમય મોતની તપાસ માટે એસઆઇટીની રચના…

એસઆઈટીના પ્રમુખ છબી શર્માની આગેવાનીમાં સાધ્વીના પિતા વીરમદાસ, મામા ગંગારામ અને આશ્રમના કેરટેકર સુરેશની ત્રણ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી છે. પિતાએ પોતાની પુત્રી માટે ન્યાયની માંગ કરતા જણાવ્યું કે તેને માત્ર સામાન્ય ઉધરસની તકલીફ હતી. આશ્રમમાં સીસીટીવી માટે વાયરિંગ હોવા છતાં કેમેરા લગાવેલા ન હોવાથી પોલીસ માટે ઘટનાનું સીધું ફૂટેજ મેળવવું મુશ્કેલ બન્યું છે. હાલમાં સાધ્વીના પિતાનો મોબાઈલ ફોન પણ તપાસ માટે જપ્ત કરવામાં આવ્યો છે.

આ કેસમાં કેરટેકર સુરેશનું નિવેદન અત્યંત મહત્વનું સાબિત થઈ શકે છે. સુરેશે જણાવ્યું કે ઘટનાના દિવસે સાધ્વી અજમેરથી આવ્યા હતા. સાંજે એક નર્સિંગ કર્મી (કમ્પાઉન્ડર) આશ્રમ આવ્યો અને તેણે સાધ્વીને ઇન્જેક્શન આપ્યું હતું.
આ ઇન્જેક્શન લાગ્યાની પાંચ જ મિનિટમાં સાધ્વીની જોરદાર ચીસો સંભળાઈ હતી. હોસ્પિટલ લઈ જતી વખતે સાધ્વીના નખ લીલા પડી ગયા હતા અને તેઓ સતત બોલી રહ્યા હતા, “પપ્પા, મને ન્યાય અપાવજો.” આ શબ્દોએ હવે હત્યાની શંકાને વધુ પ્રબળ બની છે.

આ પણ વાંચો : બજેટ 2026: આગામી 10 વર્ષમાં 120 નવા શહેરમાં શરૂ થશે હવાઈ સેવા, જાણો ‘UDAN’ યોજનાનો માસ્ટર પ્લાન

પ્રાથમિક તબીબી તપાસમાં સાધ્વીના શરીર પર ઈજાના કોઈ નિશાન મળ્યા નથી, પરંતુ ઇન્જેક્શનનું નિશાન ચોક્કસ મળી આવ્યું છે. પોલીસની નજર હવે કમ્પાઉન્ડર દેવી સિંહ રાજપુરોહિત પર છે, જેણે તે દિવસે ઇન્જેક્શન આપ્યું હતું. એસઆઈટીએ તેની પ્રાથમિક પૂછપરછ કરી છે અને હવે તેને નોટિસ પાઠવીને વિગતવાર જવાબ માંગવામાં આવ્યા છે. મોતનું કારણ ઝેર હતું કે ઇન્જેક્શનની કોઈ રિએક્શન, તે વિસેરા (Viscera) રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ બાદ જ સ્પષ્ટ થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button