JNUમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી બાબતે ABVP-ડાબેરી સંગઠનો વચ્ચે અથડામણ, બંને પક્ષે વિદ્યાર્થીઓ ઘાયલ
નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU) કેમ્પસમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા અંગેની બેઠક દરમિયાન ABVP અને ડાબેરી સમર્થિત જૂથો વચ્ચે શુક્રવારે મોડી રાત્રે અથડામણ થઈ હતી, જેમાં બંને પક્ષોએ એવો દાવો કર્યો હતો કે તેમના કેટલાક સભ્યો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે JNU પ્રશાસન તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
અહેવાલો અનુસાર, ચૂંટણી માટે ચૂંટણી પંચના સભ્યોની પસંદગી કરવા માટે કેમ્પસમાં સાબરમતી ઢાબા ખાતે યુનિવર્સિટી જનરલ બોડી મીટિંગ (UGBM) દરમિયાન વિદ્યાર્થી જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)એ આક્ષેપ કર્યો છે કે તેમના સભ્યો પર હુમલો કરવામાં આવ્યો. બીજી તરફ, ડેમોક્રેટિક સ્ટુડન્ટસ ફેડરેશન(DSFA)એ એબીવીપીના સભ્યો પર ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતીનનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ મામલે વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર સાથે દલીલ કરતા જોઈ શકાય છે અને યુનિવર્સિટીના સુરક્ષા કર્મચારીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
DSF એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘2023-2024 વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ શરૂ કરવાની JNU પ્રશાસનની જાહેરાતના જવાબમાં, ABVPએ પ્રસાશન સાથે મળીને વિદ્યાર્થીઓને બોલાવ્યા અને UGBMને વિક્ષેપિત કરવા અને JNUSU ચૂંટણી 2024ની લોકતાંત્રિક પ્રક્રિયાને રોકવા માટે પર્યાસો કર્યા. ડીએસએફ, એબીવીપીના લોકશાહી વિરોધી વર્તનની નિંદા કરે છે! અમે વિદ્યાર્થી સમુદાયને સાબરમતી ઢાબા ખાતે યોજાનાર UGBMમાં મોટી સંખ્યામાં ભેગા થવા અને ABVP સામે એક થવા અપીલ કરીએ છીએ.
ABVPએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાબરમતી મેદાનમાં રાત્રે 9:30 વાગ્યે સર્વપક્ષીય યુનિવર્સિટી જનરલ બોડીની બેઠક યોજાઈ હતી. સૌપ્રથમ ડાબેરીઓએ માઈક અને સાઉન્ડનું કામ કરતા લોકોને જાતિવાદી અપશબ્દો કહ્યા, કારણ કે તેઓ નથી ઈચ્છતા કે ABVP UGBMમાં ભાગ લે. આથી કામદારોએ અપમાન અનુભવ્યું અને પાછા ફરવા લાગ્યા. જો કે, એબીવીપીના સભ્યોએ કામદારો સાથે વાત કરી અને તેમને માઈક અને સાઉન્ડ પરત ન લઇ જવા કહ્યું. ત્યાર બાદ વામપંથી વિધ્યર્થીઓએ એબીવીપીના કાર્યકરોને માર મારવાનું શરૂ કર્યું. તેમણે એબીવીપીના સમર્થક એવા શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓને પણ છોડ્યા ન હતા.