અમરનાથ યાત્રા પૂરી થતા જ જમ્મુ કાશ્મીરમાં થશે ચૂંટણી
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદથી ત્યાંના લોકો વિધાનસભાની ચૂંટણી ની રાહ જોઈ રહ્યા છે. હવે એવા સમાચાર આવ્યા છે કે અમરનાથ યાત્રાને સમાપ્તિ બાદ અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ પૂરી થઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ભાજપના નેતાઓને ચૂંટણીને તૈયારી કરવા માટે સૂચના આપી દીધી છે.
ગુરુવારે મોડી રાતની બેઠકમાં અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ વિધાનસભાની ચૂંટણીને લઈને જમ્મુ કાશ્મીરના ભાજપના ઘણાઓ નેતાઓ સાથે બેઠક કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપ રાજ્યની તમામ 90 બેઠકો પર ચૂંટણી લડશે.
નોંધનીય છે કે ઓગસ્ટ 2019 માં જમ્મુ કશ્મીર રાજ્યનો વિશેષ દરજજો ખતમ થયા પહેલા નવેમ્બર 2018 માં જમ્મુ કાશ્મીરની વિધાનસભા ભંગ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવામાં આવ્યું હતું. ભાજપે રાજ્યના નેતાઓને એમ પણ જણાવ્યું છે કે ભાજપ રાજ્યમાં કોઈ પણ પક્ષ સાથે ચૂંટણી પૂર્વ ગઠબંધન કરશે નહીં. જોકે, એમ પણ જાણવા મળ્યું છે કે પાર્ટી સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે બેઠક અને ચૂંટણી અંગે કરાર કરી શકે છે. આ ઉપરાંત પાર્ટી વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાન પદના કોઈ ઉમેદવાર ને રજૂ કરશે નહીં.