જમ્મુ ડિવિઝનના રિયાસીએ 71 ટકા મતદાન સાથે રંગ રાખ્યો…
આતંકવાદી પ્રવૃત્તિઓ સરહદના રહેવાસીઓને હતોત્સાહ કરવામાં નિષ્ફળ
જમ્મુ: જમ્મુ-કાશ્મીર વિધાનસભાની બીજા તબક્કાની 26 બેઠકો માટેનું મતદાન બુધવારે શાંતીપુર્વક પાર પડ્યું હતું. બીજા તબક્કાની 26 બેઠકોમાં સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ ચોપન ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. સૌથી વધુ મતદાન જમ્મુની રિયાસીમાં 71.81 ટકા થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન શ્રીનગર જિલ્લામાં 27.31 ટકા મતદાન થયું હતું, એવી માહિતી ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી હતી.
બુધવારે સવારે સાત વાગ્યે મતદાનની શરૂઆત થઈ હતી અને 239 બેઠકો માટે કુલ 25,78,099 મતદારો પાત્ર હતા, જેમાં 13,12,730 પુરુષ અને 12,65,316 મહિલા જ્યારે 53 ટ્રાન્સજેન્ડર મતદાતાનો સમાવેશ થાય છે.
બીજી તરફ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે ભારપૂર્વક કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરાવવા માટે વિપક્ષ પોતાની પૂરી તાકાત લગાવશે.
છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં થયેલી આતંકવાદી પ્રવૃત્તિઓ છતાં રાજૌરી અને પુંછના સરહદી જિલ્લાઓમાં મતદારોએ ઉત્સાહપુર્વક મતદાનમાં ભાગ લીધો હતો અને લોકશાહીમાં વિશ્ર્વાસ પ્રસ્થાપિત કર્યો હતો. પીર પંજાળ વિસ્તાર તરીકે ઓળખાતા રાજૌરી અને પુંછ તેમ જ રિયાસી જિલ્લામાં તેમ જ મધ્ય કાશ્મીરના શ્રીનગર, ગાંદરબલ અને બડગામમાં મતદારોએ મતદાન કર્યું હતું. લોકોનો ઉત્સાહ સવારથી જ જોવા મળ્યો હતો. અનેક મતદાન કેન્દ્રોની બહાર લોકોએ મતદાન માટે લાઈનો લગાવી હતી. છેલ્લા અહેવાલો મળ્યા ત્યાં સુધી મતદાન શાંતીપુર્વક ચાલી રહ્યું હતું.
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 54.11 ટકા મતદાન થયું હતું. રિયાસીમાં 71.81 ટકા, પુંછમાં 71.59 ટકા, રાજોરીમાં 68.22 ટકા, શ્રીનગરમાં 27.37 ટકા, ગાંદરબલમાં 58.81 ટકા અને બડગામમાં 58.97 ટકા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં નોંધાયું હતું.