ટોપ ન્યૂઝનેશનલ

સંસદમાં ઘૂસેલા અમોલની વ્યથા સામે લાવી જીતેન્દ્ર આવ્હાડે માંડ્યો તેનો પક્ષ

નવી દિલ્હી: 13 ડિસેમ્બર 2001ના દિવસે સંસદ પર આતંકવાદી હુમલો થયા ને બુધવારે 22 વર્ષ પૂરા થયા હતા. શહીદોને શ્રધ્ધાંજલિ આપ્યા બાદ સંસદનું કામ શરૂ થયું હતું અને થોડી જ વારમાં સંસદમાં ઘૂસણખોરી થઈ હતી. લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવાનો સીધા સાંસદોની બેન્ચ પર કુદી પડ્યા હતા.

નારા લગાવ્યા, સ્મોક ક્રેકર ફોડીને ધુમાડા કર્યા. દેશની સર્વોચ્ચ ઈમારત એટલે કે સંસદ ભવનની સુરક્ષામાં ગાબડું પડ્યું અને આખો દેશ ચોંકી ઉઠ્યો. આ લોકોમાંથી ચાર લોકોની અટક કરવામાં આવી હતી. જેમાંથી એક જણ લાતુર જિલ્લાના ચકુરચા ગામનો છે. આ યુવકનું નામ અમોલ શિંદે છે.

તે પોલીસ અને સૈનિક ભારતીની તૈયારી કરી રહ્યો છે એવી જાણકારી મળી છે. ત્યારે હવે તેની આ હરકતને સરકારી તંત્ર અને પ્રશાસકિય વ્યવસ્થા જવાબદાર છે એવી ટીકા સરકાર પર થઈ રહી છે. આ યુવકની વ્યથાની કથા હવે જીતેન્દ્ર આવ્હાડ લોકો સામે લઈને આવ્યા છે.

ચાકુર તાલુકાના ઝરી બુમાં રહેતો અમોલ ધનરાજ શિંદેએ ચાર દિવસ પહેલા જ ગામ છોડ્યું હતું. છેલ્લા છ મહિનામાં તે ત્રણ ચાર વાર દિલ્હી ગયો હોવાની વિગતો જાણવા મળી છે. એ સૈનિક ભરતી માટે અનેકવાર બહાર ગામ જતો હતો, એવી જાણકારી તેના પરિવારે આપી હતી. સારો અભ્યાસ કરી, રનિંગમાં પહેલો આવ્યા છતાં ભરતી થઈ નહતી રહી, તેથી તે ખૂબ દુઃખી હતો એમ તેની માતા એ જણાવ્યું હતું.


અમોલના માતા પિતાએ મીડીયા સામે તેમની વ્યથા માંડી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને વિધાનસભ્ય જીતેન્દ્ર આવ્હાડે આ ઘટનાની બીજી બાજુ માંડતા અમોલ અને તેના સાથીઓને આવું કૃત્ય કરવા માટે સરકારી વ્યવસ્થાએ જ મજબૂર કર્યા હોવાનું જણાવ્યું હતું.

દેશની સંસદમાં જે ઘટના બની તેનો હું જાહેર વિરોધ કરું છું. આ ઘટનાનું કોઈ પણ રીતે સમર્થન ના થઈ શકે. અને હું તેનું સમર્થન કરી રહ્યો નથી એમ જણાવતાં આવ્હાડે કહ્યું કે, જે યુવકે આ કૃત્ય કર્યું છે એ અમોલ શિંદે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનો રહેવાસી છે. ત્યારે આ કિસ્સાની બીજી બાજુ જણાવી પણ તેટલીજ મહત્વની છે.


મે જે વિડિયો શેર કર્યો છે તે અમોલના માતા પિતાનો છે. પોતાનો દીકરો શિક્ષિત છે અને વર્ષોથી નોકરી માટે ધક્કા ખાઈ રહ્યો છે એમ તેમનું કહેવું છે. સ્પોર્ટ્સમાં સારું પ્રદર્શન કર્યા બાદ પણ પોલીસમાં નોકરી મળી શકી નથી અને કેટલાક લોકો લાખો રૂપિયા ભરીને નોકરી મેળવી રહ્યા છે. રાજ્યમાં બેરોજગારી અને ભ્રષ્ટાચારી સામે બેધ્યાન ન રહી શકાય કે? એવો પ્રશ્ન આવ્હાડે પૂછ્યો હતો.

આજે અમોલ જે ગુનો કર્યો છે તે માટે વ્યવસ્થા તેને સજા આપશે, જો કે જે વ્યવસ્થાને કારણે તે આવું કરવા મજબૂર થયો એને કોણ અને કેવી સજા આપશે? એવો પ્રશ્ન પણ આવ્હાડે કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button