જીતનરામ માંઝીએ તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીને આપ્યો ઝટકો, કહ્યું ‘જ્યાં PM મોદી ત્યાં HAM’
પટણા: બિહારની રાજકીય ઉથલપાથલ ઉપર સમગ્ર દેશ નજર માંડીને બેઠો છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા બિહારમાં આવતી કાલ સુધીમાં મોટો ખેલ પડી જશે. આવતી કાલે નીતીશ કુમાર તરફથી જે પણ પગલું ભરવામાં આવશે તે બિહારના રાજકારણ અને આગામી લોકસભાની ચુંટણીમાં ઘણું મહત્વનુ સાબિત થશે. છેલ્લા ઘણા દિવસથી બિહારના રાજકારણમાં નવાજૂનીના એંધાણ ચરમ સીમાએ છે. RJD અને JDU વચ્ચે આંકડાઓની રમત પણ જોરદાર ચાલી રહી છે. જેને લઈને બિહારની રાજધાની પટણા અને દિલ્હીમાં વિવિધ પાર્ટીઓના હાઇ કમાન્ડ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
તેવામાં શનિવારે માંઝીની પાર્ટી HAM એ પણ તેમના ધારા સભ્યોની બેઠક બોલાવી હતી અને બેઠક બાદ બહાર આવ્યું કે તેઓ NDA સાથે જ રહેવાના છે. માંઝીએ ઈશારો કરતાં કહ્યું કે જ્યાં PM મોદી ત્યાં HAM. તેના આ નિવેદનને લઈને તેજસ્વી યાદવને ઘણો મોટો ઝટકો લાગ્યો છે.
આપને જણાવી દઈએ કે બિહારમાં વારે વારે રાજકીય સમીકરણો બદલી રહ્યા છે. અગાઉઊ જીતનરામ માંઝીને રાહુલ ગાંધીનો ફોન હતો અને INDIA ગઠબંધનમાં શામેલ થવા પર આમંત્રણ આપ્યું હતું. જેની પણ ભારે ચર્ચા બાદ, જ્યારે માંઝીનું આ નિવેદન રાહુલ ગાંધીને પણ ઝટકો આપી શકે છે.
જીતનરામ માંઝી વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ આરજેડીને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને એનડીએ માટે પણ તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જીતન રામની પાર્ટી HAM પાસે 4 ધારાસભ્યો છે, જો RJD તેમને પોતાના ફોલ્ડમાં લે છે, તો મહાગઠબંધન 118 બેઠકોના આંકડાને સ્પર્શ કરશે. તેમાં આરજેડીના 79, કોંગ્રેસના 19 અને ડાબેરીઓના 16 ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે.જો AIMIMમાંથી એક ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્ય પણ મહાગઠબંધનમાં જોડાય તો આ આંકડો 120 સુધી પહોંચી જશે. જો કે સરકાર બનાવવા માટે હજુ બે ધારાસભ્યોની જરૂર પડશે.
સૂત્રો મળતી માહિતી મુજબ તેવા પણ સમાચાર બહાર આવી રહ્યા છે કે આવતી કાલે નીતીશ કુમાર BJP સાથે સરકાર બનાવશે અને ફરીવાર બિહારના મુખ્ય પ્રધાનના શપથ લઈ શકે છે.