ઝારખંડ: ઓવરહેડ વાયર તુટતાં ટ્રેનના ડ્રાઈવરે લગાવી ઈમરજન્સી બ્રેક, 2 ના મોત

ધનબાદ: ઝારખંડના કોડરમા જિલ્લામાં શનિવારે એક ટ્રેન અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા હતા. ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયર તૂટવાને કારણે દિલ્હી જતી ટ્રેનને અચાનક રોકવામાં આવતી હતી. પૂર્વ મધ્ય રેલવેના અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગોમોહ અને કોડરમા રેલ્વે સ્ટેશનો વચ્ચે પરસાબાદ નજીક બપોરે 12.05 વાગ્યે અકસ્માત થયો હતો જ્યારે ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયર તુટતાં પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસના ડ્રાઇવરે ટ્રેનને રોકવા માટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી.
ધનબાદ રેલવે ડિવિઝનના અધિકારીએ જણાવ્યું હતું કે, “વીજ પુરવઠો અચાનક બંધ થઈ જતાં, ટ્રેનને રોકવા માટે ઈમરજન્સી બ્રેક લગાવવામાં આવી હતી અને આંચકો લાગવાને કારણે બે લોકોના મોત થયા હતા.”
દુર્ઘટના સમયે ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી. અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના સ્થળેથી પુરૂષોત્તમ એક્સપ્રેસને ડીઝલ એન્જિન દ્વારા ગોમોહ સ્ટેશન લાવવામાં આવી હતી અને પછી ઇલેક્ટ્રિક એન્જિન દ્વારા દિલ્હી મોકલવામાં આવી હતી.