ઝારખંડમાં આઈઈડી વિસ્ફોટમાં એક મહિલાનું મોત, બે ઘાયલ

ચૈબાસા: ઝારખંડમાં એક આઈઈડી વિસ્ફોટમાં એક મહિલાનું મોત થયું છે અને બે લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં થયો હતો. આ અંગે પશ્ચિમ સિંહભૂમના એસપી અમિત રેણુએ જણાવ્યું હતું કે મહિલાઓનું એક જૂથ જંગલના કોલભોંગા વિસ્તારમાં રેશમ કપાસના ઝાડમાંથી પાંદડા તોડવા માટે ગયું હતું. ત્યારે નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા આઈડી પર તેમનો પગ પડતા આ વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટમાં ઘાયલોને મનોહરપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ઘાયલોને મનોહરપુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે એસપીએ આ કાર્યવાહીને નક્સલીઓનો ભય ગણાવ્યો હતો. કારણ કે, સુરક્ષા દળો તેમના વિરુદ્ધ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો : દિલ્હી વિસ્ફોટ કેસમાં એનઆઈએની મોટી કાર્યવાહી, ઓટો ડ્રાઈવરના ઘરેથી ગ્રાઈન્ડર જપ્ત કર્યું…
નકસલ પ્રભાવિત વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ
એસપી અમિત રેણુએ જણાવ્યું હતું કે વિસ્તારમાં નક્સલી પ્રવૃત્તિ પહેલાથી જ સક્રિય હતી. સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવી રહ્યા છે. ઘટના બાદ, પોલીસ અને સીઆરપીએફ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. એસપીએ જણાવ્યું હતું કે આઈઈડીએ નક્સલીઓની એક સામાન્ય પ્રણાલી છે. જે ઘણીવાર ગ્રામજનો અને સુરક્ષા દળોને નિશાન બનાવે છે. પોલીસે ગ્રામજનોને કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળે તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.



