Jharkhand: ચંપાઈ સોરેન સરકાર આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં પાસ થશે? આવું છે સમીકરણ

રાંચી: હેમંત સોરેનની ધરપકડ બાદ ઝારખંડમાં હાલ ઝારખંડ મુક્તિ મોરચા(JMM) અને સાથી પક્ષોની ગઠબંધન સરકારનું ભવિષ્ય અસમંજસમાં છે. ચંપાઈ સોરેને નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. ચંપાઈ સોરેને રાજ્યપાલને 43 વિધાનસભ્યોના સમર્થન પત્રો સુપરત કર્યા હતા. રાજ્યપાલે ચંપાઈ સોરેનને 10 દિવસની અંદર વિશ્વાસનો મત સાબિત કરવા કહ્યું છે. ચંપાઈ સોરેનના શપથ બાદ જ સત્તાધારી ગઠબંધનના 35 વિધાન સભ્યો ચાર્ટર્ડ પ્લેન મારફત હૈદરાબાદ જવા રવાના થયા હતા.
ચંપાઈ સોરેનને વિશ્વાસનો મત સાબિત કરવા માટે, ઝારખંડ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર 5મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે શરુ થશે, જેને ધ્યાનમાં રાખીને શાસક ગઠબંધનના વિધાનસભ્યો આજે સાંજે લગભગ 6 વાગ્યે રાંચી પહોંચશે. તેમને રાંચીના સર્કિટ હાઉસમાં ઉતારો આપવામાં આવ્યો છે, ત્યારબાદ આવતીકાલે તેમને બસ દ્વારા સીધા વિધાનસભામાં લાવવામાં આવશે.
ઝારખંડ મુક્તિ મોરચાને તેમના વિધાન સભ્યો તૂટવાનો ડર છે કારણ કે રાજ્યમાં ભાજપ પાસે સાથી પક્ષો પાસે 26 વિધાનસભ્યો છે અને અપક્ષ વિધાનસભ્યો સહિત આ સંખ્યા 32 થઈ જાય છે. તેથી JMM વિધાન સભ્યોને સલામત સ્થળે મોકલવાની યોજના બનાવી હતી, જ્યાં તેમનો સંપર્ક ના થઈ શકે.
ગઠબંધનના 35 વિધાનસભ્યોને તેલંગાણા મોકલવામાં આવ્યા કારણ કે ત્યાં કોંગ્રેસની સરકાર છે. તેમાંથી ચંપાઈ સોરેન, આલમગીર આલમ અને આરજેડી વિધાનસભ્ય સત્યાનંદ ભોક્તા ગયા ન હતા. આ સિવાય રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝારખંડ પહોંચવાને કારણે કેટલાક વિધાનસભ્યો ગયા નથી કારણ કે તેમને યાત્રાના સ્વગત માટે અને અન્ય તૈયારીઓ કરવાની છે.
ઝારખંડ વિધાનસભામાં કુલ સભ્યોની સંખ્યા 81 છે, જેમાંથી એક સીટ ખાલી છે. ગાંડેયા વિધાનસભા સીટના જેએમએમ વિધાનસભ્યએ રાજીનામું આપી દીધું હતું. એટલે કે કુલ 80 વિધાનસભ્યોમાંથી 48 ઈન્ડિયા ગઠબંધન છે. JMMના 29 અને કોંગ્રેસના 17 વિધાનસભ્યો છે. RJD-CPM પાસે એક-એક સીટ છે. જોકે, ચંપાઈ સોરેને રાજ્યપાલને જે વિધાનસભ્યોના સમર્થનનો પત્ર સુપરત કર્યો છે તેમાં માત્ર 43 વિધાનસભ્યોની સહી છે.
વિપક્ષની ભાજપ JMM કરતા વધુ પાછળ નથી. ભાજપ 26 વિધાનસભ્યો સાથે વિધાનસભામાં બીજી સૌથી મોટી પાર્ટી છે. AJSUના ત્રણ ધારાસભ્યો, NCP (અજિત પવાર જૂથ)ના એક અને બે અપક્ષ વિધાનસભ્યોનું સમર્થન પણ ભાજપ સાથે છે.
PMLA કોર્ટે જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા હેમંત સોરેનને 5 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા છે. જોકે, કોર્ટે હેમંતને વિશ્વાસ મત દરમિયાન મતદાન કરવાની પણ મંજૂરી આપી છે. ચંપાઈ સોરેન સિવાય કોંગ્રેસ વિધાયક દળના નેતા આલમગીર આલમ અને આરજેડી વિધાનસભ્ય સત્યાનંદ ભોક્તાએ 2 ફેબ્રુઆરીએ કેબિનેટ પ્રધાનતરીકે શપથ લીધા હતા.