EDના સમન્સને પડકારવા ઝારખંડ CM હેમંત સોરેને સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા

ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને EDએ મોકલેલા નવા સમન્સને પડકારતી અરજી સુપ્રીમમાં દાખલ કરી છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી યોજાશે. હેમંત સોરેને ગત મહિને એજન્સીને જણાવ્યું હતું કે તેમની સામે જારી થયેલું સમન્સ પાછું ખેંચાય નહિતર તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં ગરેકાયદે ખનન સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં ED ઝારખંડ સીએમ હેમંત સોરેન વિરુદ્ધ તપાસ કરી રહ્યું છે. EDએ આ મામલે પૂછપરછ કરવા જ્યારે હેમંત સોરેનને સમન્સ પાઠવ્યું ત્યારે તેમણે પત્ર લખીને જણાવ્યું હતું કે તપાસને લગતા તમામ દસ્તાવેજો, પુરાવાઓ EDને સોંપી દીધા છે. જો EDને કોઇ માહિતી જોઇએ તો તે લેખિતમાં સંદેશ આપી શકે છે.
જો કે આ પત્ર બાદ પણ EDએ સમન્સ મોકલવાનું ચાલુ રાખતા ઝારખંડ સીએમ આરોપ લગાવી રહ્યા છે કે રાજનૈતિક કારણોસર તેમને પરેશાન અને અપમાનિત કરવા માટે ED દ્વારા વારંવાર સમન્સ મોકલવામાં આવી રહ્યા છે.
મીડિયા અહેવાલો મુજબ ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન જે રાજ્યના ખનન મંત્રાલયના પ્રભારી પણ છે, તેમના પર વર્ષ 2021માં ગેરકાયદે રેત ખનનને પગલે ચૂંટણીના કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. જો કે હેમંત સોરેને તમામ આક્ષેપો ફગાવી દીધા હતા અને કેન્દ્ર સરકાર પર આદિવાસી નેતાને હેરાનગતિ કરવાના આરોપો લગાવ્યા હતા. આ ઉપરાંત ઝારખંડ સીએમ હેમંત સોરેને જણાવ્યું હતું કે વર્ષ 2020માં પિતા શિબૂ સોરેન વિરુદ્ધ લોકપાલની તપાસમાં તેમણે પોતાની તમામ સંપત્તિઓની વિગતો સીબીઆઇને આપી હતી.