અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓનો આતંક: શોકભર્યા માહોલ વચ્ચે લાખોના ઘરેણાની ચોરી

બારામતી: 28 જાન્યુઆરી 2026ના દિવસે બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા અજિત પવારનું અવસાન થયું હતું. આ ઘટનાના સમાચાર મળતા જ રાજ્ય ઉપરાંત દેશના રાજકારણમાં શોક વ્યાપી ગયો હતો. ‘દાદા’ અજિત પવારના અંતિમ યાત્રામાં રાજ્યના ખૂણે ખૂણેથી સમર્થકો ઉમટી પડ્યા હતાં. ગઠિયાઓએ સ્થિતિનો લાભ ઉઠાવીને લાખો રૂપિયાના ઘરેણાની ચોરી કરી હતી.
અજીત પવારનો પાર્થિવ દેહના બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. લાખો લોકો તેમના અંતિમ દર્શન માટે બારામતીમાં ઉમટી પડ્યા હતાં, ચારેતરફ શોકનો માહોલ હતો, ત્યારે ગઠિયાઓની નજર લોકોના ઘરેણા પર હતી. અહેવાલ મુજબ અંતિમ યાત્રામાં 15 લોકોના ઘરેણાં ચોરી થયા હતાં.
એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આશરે 25 થી 30 લાખ રૂપિયાની કિંમતના ઘરેણાની ચોરી કરવામાં આવી હતી. અહેવાલ મુજબ કેટલાક લોકોએ શંકાસ્પદ ચોરોને રંગે હાથે પકડી લીધા હતાં અને પોલીસને સોંપી દીધા હતાં.
અહેવાલ મુજબ અજીત પવારના અંતિમ સંસ્કારના દિવસે બારામતીમાં આશરે 8,000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતાં, છતાં આ ઘટનાઓ બનતા તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.
અહેવાલ મુજબ લોકોની ફરિયાદના આધારે બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા છે, પોલીસ મામલાની તપાસ કરી રહી છે, કેટલાક આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો…અજિત પવારના નિધન બાદ NCPના અધ્યક્ષપદ અંગે પીયૂષ ગોયલનો યુ-ટર્ન, જાણો મામલો



