જેડીયુના આ નેતાએ ફરી I.N.D.I.A ગઠબંધન પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું….

નવી દિલ્હી: વિપક્ષી I.N.D.I.A ગઠબંધન હાલમાં લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે હાલમાં આ ગઠબંધનના સહયોગી અને જેડીયુના નેતા સાંસદ સુનીલ કુમાર પિન્ટુના નિવેદનોની સતત ચર્ચા થઈ રહી છે. પિન્ટુએ ફરી એકવાર કોંગ્રેસને આડે હાથ લીધી હતી તેમણે રાહુલ ગાંધીને પીએમ વેઇટિંગ કહીને ટોણો માર્યો છે. તેમણે કહ્યું હતું કે ગઠબંધન અંગે કોંગ્રેસનું જિદ્દી વલણ છે. ગઠબંધન માટે કોંગ્રેસ ગંભીર નથી.
નોંધનીય છે કે બે દિવસ પહેલા 19 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં I.N.D.I.A એલાયન્સની ચોથી બેઠક યોજાઈ હતી. બેઠકમાં અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને તેમની પાર્ટી જેડીયુના નેતા સાંસદ સુનીલ કુમાર પિન્ટુ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક બાદ પિન્ટુએ નીતિશ કુમાર અને પાર્ટી સામે બળવાખોર વર્તન કર્યું હતું. તેમણે કહ્યું કે પહેલા બેઠકોમાં ચા અને સમોસા પીરસવામાં આવતા હતા પરંતુ હવે કોંગ્રેસ કહે છે કે ફંડની અછત છે. અને તેના કારણે ગઈ કાલની મીટીંગ માત્ર ચા અને બિસ્કીટ પુરતી સીમિત હતી.
જેડીયુ સાંસદ સુનીલ કુમાર પિન્ટુએ વધુમાં કહ્યું હતું કે અમારા નેતા નીતીશ કુમાર ન તો વડા પ્રધાનની રેસમાં છે અને ના તો તેઓ કોઇનાથી નારાજ છે. તેમજ બિહારનો દરેક વ્યક્તિ ઈચ્છશે કે નીતિશ કુમાર I.N.D.I.A એલાયન્સનું નેતૃત્વ સંભાળે. વિપક્ષે પોતાની ખામીઓ શોધવી જોઈએ અને ઈવીએમને દોષ ન આપવો જોઈએ. અમારા નેતા નીતિશ કુમારે તમામ પક્ષોને એક મંચ પર લાવવાનું કામ કર્યું છે.
સુનીલ કુમાર પિન્ટુએ એમ પણ કહ્યું હતું કે મમતા બેનર્જીના પ્રસ્તાવ પછી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તરત જ ના પાડી દીધી અને રાહુલ ગાંધી તરફ ઈશારો કર્યો. સમયની જરૂરિયાત એ છે કે I.N.D.I.A એલાયન્સના વડા પ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવે. હવે જ્યારે પણ I.N.D.I.A એલાયન્સની બેઠક યોજવામાં આવે ત્યારે પ્રાદેશિક પાર્ટીએ તરત જ નક્કી કરવું જોઈએ કે કોણ નેતૃત્વ કરશે. આ ઉપરાતં તેમણે કહ્યું હતું કે વિપક્ષે જનતાના નિર્ણયને સ્વીકારવો પડશે. સત્ય તો એ છે કે ત્રણ રાજ્યોમાં જનતાએ ભાજપને જનાદેશ આપ્યો છે તો તેમણે તેનો સ્વીકાર કરવો જોઈએ અને ઈવીએમની નહીં પણ પોતાની ખામીઓ શોધવી જોઈએ.