‘મોદી હૈ તો મુમકીન હૈ.. ‘ પીએમ મોદીના વખાણ કરતી જેડીયુ સાસંદની ટિપ્પણીથી મચ્યો હંગામો
પટણાઃ તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની જીતની અસર કહો કે આડઅસર હવે વિપક્ષના સાંસદો પર પણ દેખાવા માંડી છે. ઇન્ડિયા ગઠબંધનમાં ગભરાટ ફેલાઇ ગયો છે. એવા સમયે નીતીશકુમારની પાર્ટી જેડીયુના એક સાંસદે પીએમ મોદીની ખઓબલે ખોબલે પ્રશંસા કરીને નીતીશકુમાર સહિત અન્ય પાર્ટીના નેતાઓની પણ ઉંઘ હરામ કરી નાખી છે.
જેડીયુ સાંસદ સુનીલ કુમાર પિન્ટુ ભાજપના ફેન બની ગયા છે. પિન્ટુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા છે. જેડીયુ સાંસદ પિન્ટુએ કહ્યું છે કે ચૂંટણી પહેલા ભાજપ અને ભાજપના કાર્યકરોએ ‘મોદી હૈ તો મુમકીન હૈ’ અને ‘મોદી હૈ તો ગેરંતી હૈ’ જેવા નારા આપ્યા હતા. જનતાએ તેને મંજૂરી આપી છે. ભાજપ ત્રણ રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. પીએમ મોદીના વખાણ કરતા JDU સાંસદે કહ્યું કે ચૂંટણી પરિણામોએ બતાવ્યું છે કે જનતાને મોદીમાં વિશ્વાસ છે. જેના કારણે ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. જનતાને મોદીની ગેરંટીઓમાં વિશ્વાસ છે.
સુનીલ કુમાર પિન્ટુએ આટલેથી નહોતા અટક્યા. તેમણે કૉંગ્રેસ પર પણ કટાક્ષ કરતા કહ્યું હતું કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાર બાદ કૉંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનની યાદ આવી છે અને તે હવે મીટિંગ કરવા માગે છે. જે પક્ષોના સમર્થનથી કૉંગ્રેસ રાજ્યોમાં ઊભી છો, તે જ સાથી પક્ષોની તે અવગણના કરી રહી છે. કોંગ્રેસ બિહારમાં JDU અને RJD, ઉત્તર પ્રદેશમાં SP અને ઝારખંડમાં હેમંત સોરેનને અવગણના કરી રહી છે અને તેના કારણે તેને હાર ખમવી પડી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે જો કૉંગ્રેસ ઇન્ડિયા અલાયન્સની બેઠકોમાં પ્રાદેશિક પક્ષોને આગળ રાખે તો જ આ ગઠબંધન સફળ થઇ શકે છે. જેડીયુ સાંસદે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઇન્ડિયા ગઠબંધનમાં વાતચીતનો અભાવ છે. મોટા નેતાઓની સલાહ લેવામાં આવી રહી નથી.
જેડીયુ સાંસદના આવી પ્રતિક્રિયા બાદ તેમના પક્ષમાં પણ હંગામો મચે તે તો અપેક્ષિત જ છે અને કૉંગ્રેસ માટે તો આ દાઝ્યા પર ડામ જેવું જ છે.