
નવી દિલ્હીઃ ચૂંટણીના પરિણામોને બે દિવસ થઈ ગયા છે. દિલ્હીમાં હાલમાં જેટલી ગરમી વાતાવરણમાં છે તેના કરતા અનેકગણું રાજકારણ ધખધખે છે. સૌથી મોટા પક્ષ ભાજપ માટે સરકાર બનાવવાનું સહેલું નથી તો બીજી બાજુ ઘણો સારો દેખાવ કર્યો હોવા છતાં કૉંગ્રેસ પાસે સરકાર માટે દાવો કરી શકાય તેટલી બેઠકો નથી. એનડીએ પાસે 293નો આંકડો છે અને હાલમાં નરેન્દ્ર મોદી ત્રીજીવાર શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે.
એનડીએની સરકાર રચવા માટે હાલમાં નીતિશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની પીડીપી ઘણી જરૂરી છે. આ બન્નેનું સમર્થન ભાજપને મળી ચૂક્યું છે અને શપથની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે નીતિશ કુમારના એક નેતા કે સી ત્યાગીનું નિવેદન ચર્ચાનું કારણ બન્યું છે. નીતિશ કુમારના નેતાએ શપથ પહેલા જણાવ્યું હતું કે ભાજપના યોજના અગ્નિવીરની સમીક્ષા થવી જોઈએ.
આ પણ વાંચો : બિહાર લેટેસ્ટ અપડેટઃ જેડીયુ બિહારમાં સૌથી મોટી પાર્ટી
અગ્નિવીર યોજના શરૂઆતથી જ ચર્ચામાં છે. પજાંબ, હરિયાણા સહિતના ઘણા રાજ્યોમાં ભાજપને બેઠકોમાં થયેલા નુકસાનના કારણોમાં આ પણ એક છે. કૉંગ્રેસ આ યોજનાનો સખ્તાઈથી વિરોધ કરે છે. ત્યારે હવે સાથીપક્ષના નેતાએ પણ આ યોજના તરફ નારાજગી દર્શાવી છે અને તે વિશે ફેરવિચાર કરવાની વાત કરી છે.
પૂર્ણ બહુમતી સાથે ભાજપે જે નિર્ણયો લીધા છે, તેમાંથી ઘણાનો વિરોધ વિપક્ષમાં બેસેલા નેતાઓએ કર્યો છે ત્યારે હવે જે પક્ષો સાથે આવશે તેમનો પણ મત ધ્યાનમાં લેવાની ફરજ ભાજપને પડશે.