બિહાર સંગ્રામ: ચિરાગની બેઠકો પર ઉમેદવાર ઉતારીને નીતિશ કુમારે ભાજપના ગણિત પર પાણી ફેરવ્યું

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણી અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. દરેક પાર્ટી અત્યારે બિહાર ચૂંટણીમાં પોતાના મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે મથામણ કરી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જેટલી જ બેઠકો પર જેડીયુ ચૂંટણી લડવા માટે રાજી છે પરંતુ પોતાની મજબૂત બેઠકો છોડવા માટે કોઈ પણ ભોગે તૈયાર નથી. એટલું જ નહીં, પરંતુ નીતિશ કુમારે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરીને NDAનું ગણિત બગાડી દીધું છે.
જેડીયુ-ભાજપ બંને 101-101 બેઠક પર ચૂંટણી લડશે
ગઠબંધનમાં જેડીયુ અને ભાજપ બંને 101-101 બેઠક પર ચૂંટણી લડશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીની બેઠકો અન્ય સહયોગી પક્ષોમાં વહેચવામાં આવશે, જેમાં ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો, ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી અને જીતનરામ માંઝીની પાર્ટીને 6-6 બેઠકો મળી છે. એટલે કે, એલજેપી(આર), આરએલએમ અને હિંદુસ્તાન અવામ મોરચો આ પાર્ટીને 6-6 બેઠક આપવામાં આવી છે. પરંતુ આ બેઠકની વહેચણીથી ઉપેન્દ્ર કુશવાહા અને જીતનરામ માંઝી નારાજ થયાં છે. નીતિશ કુમારે પણ ભાજપના ગણિત પર પાણી ફેરવી નાખ્યું છે. જેથી બિહાર ચૂંટણી ભાજપ માટે અઘરી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ નક્કી કર્યા, 16 ધારાસભ્યોની કપાઈ શકે છે ટિકિટ
નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ બુધવારે 57 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં ચિરાગ પાસવાનને મળેલી પાંચ બેઠકો પર પણ પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. LJP એ કુલ 29 બેઠકો મળી છે જેમાં મોરવા, ગાયઘાટ, રાજગીર, સોનબરસા અને એકમા સામે છે. આ જ બેઠકો પર JDU એ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
જીતનરામ માંઝીએ પણ વિવાદમાં ઝંપલાવ્યું
જીતનરામ માંઝીએ પણ એલાન કર્યું છે કે, તે ચિરાગ પાસવાનને મળેલી મખદુમપુર બેઠક પર પોતાનો ઉમેદવાર ઊભો રાખશે. ચિરાગ પાસપાનની પાર્ટી જે બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે તેમાંથી ચાર બેઠકો પર ભાજપએ જીતેલી છે. જ્યારે ત્રણ બેઠકો પર જેડીયુના ધારાસભ્ય શાસનમાં છે. આમાં ભાજપ આ બેઠકો છોડવા માટે તૈયાર છે, પરંતુ નીતિશ કુમાર કોઈનું સાંભળે તેવું લાગતું નથી. આ સિવાય એક બેઠક પર જીતનરામ માંઝીની પાર્ટીના કબજામાં છે.
બિહાર ચૂંટણી માટે અંદરો-અંદર વિવાદ શરૂ થયો
વિવાદનું મૂળ કારણ એ છે કે પટનામાં થયેલી ચર્ચામાં ચિરાગ પાસવાનને 22 બેઠકો આપવામાં આવી હતી. તો પછી હવે તેને 29 બેઠક કઈ રીતે મળી ગઈ? આવું થવાના કારણે ગઠબંધનમાં વિક્ષેપ પેદા થઈ શકે છે. જેડીયુનું કહેવું છે કે ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા ભાજપ સાથે ગઠબંધનમાં છે. આમાં જેડીયુ ક્યાંય નથી. NDAમાં જે વિવાદ પહેલા અંદરો-અંદર ચાલી રહ્યો હતો તે હવે બિહાર ચૂંટણી ટાણે બહાર આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણીના ગરમાગરમ માહોલ વચ્ચે ભાજપ માટે રાજકીય સંતુલન જાળવવાનું મુશ્કેલ છે.