પિતા MLC, હવે દીકરીએ ટાટાની નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવ્યુ! બિહાર ચૂંટણીમાં રાજકીય વારસો…

પટણા: બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજકીય વારસો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સત્તાધારી એનડીએ (NDA) હોય કે વિપક્ષનું મહાગઠબંધન, બંને પક્ષોમાં વારસાગત ઉમેદવારોની ભરમાર જોવા મળી રહી છે. આ કડીમાં, મુખ્ય પ્રધાન નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) એ પોતાના જ પક્ષના વિધાન પરિષદના સભ્યની દીકરી કોમલ સિંહને ટિકિટ આપી છે. જેડીયુએ મુઝફ્ફરપુરની ગાયઘાટ વિધાનસભા બેઠક પરથી કોમલ સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જોકે, કોમલ સિંહ માટે આ પહેલી ચૂંટણી નથી.
પહેલા લોક જનશક્તિ પાર્ટીમાંથી લડ્યા હતા ચૂંટણી
કોમલ સિંહ વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં પણ મેદાનમાં હતા. તે સમયે, કેન્દ્રમાં ભાજપના સહયોગી હોવા છતાં, લોક જનશક્તિ પાર્ટી (LJP) ને બિહારમાં એનડીએમાં સ્થાન મળ્યું ન હતું. તત્કાલીન એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને કોમલ સિંહ પર દાવ લગાવ્યો હતો અને તેમને ગાયઘાટ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા.
2020ની ચૂંટણી દરમિયાન ચિરાગ પાસવાન મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર સતત પ્રહાર કરી રહ્યા હતા. જેના કારણે જેડીયુના કોટામાંથી એમએલસી (MLC) અને કોમલ સિંહના પિતા દિનેશ પ્રતાપ સિંહ તેમની દીકરીના પ્રચારમાં ક્યાંય જોવા મળ્યા નહોતા. જોકે, કોમલની માતા અને ચિરાગ પાસવાનની પાર્ટીના વૈશાલીના સાંસદ વીણા દેવીએ તેમની દીકરી માટે જોરદાર પ્રચાર કર્યો હતો. તે ચૂંટણીમાં કોમલ સિંહને હારનો સામનો કરવો પડ્યો હતો અને તેમને ત્રીજા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો, છતાં તેમને 36 હજારથી વધુ મત મળ્યા હતા.
NDAમાં સાથે આવવાથી કોમલની રાહ સરળ
હાલના આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચિરાગ પાસવાન અને જેડીયુ એકવાર ફરી એનડીએમાં એકસાથે ચૂંટણી મેદાનમાં છે. આવી સ્થિતિમાં, કોમલ સિંહની ચૂંટણી 2020ની સરખામણીમાં આ વખતે વધુ સરળ દેખાઈ રહી છે, કારણ કે તેમને ગઠબંધનનો સંપૂર્ણ લાભ મળશે.
ટાટા કંપનીની નોકરી છોડી રાજકારણમાં આવ્યા
કોમલ સિંહનું શિક્ષણ દિલ્હીમાં થયું છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક (ગ્રેજ્યુએશન) પૂર્ણ કર્યું અને ત્યારબાદ પુણેની સિમ્બાયોસિસ કોલેજમાંથી એમબીએ (MBA)ની ડિગ્રી મેળવી. એમબીએ પછી કોમલ સિંહ ટાટા કંપનીમાં નોકરી કરવા લાગ્યા હતા. જોકે, 2020ની ચૂંટણી પહેલા જ તેમણે નોકરી છોડી દીધી અને રાજકારણમાં પ્રવેશવા માટે મુઝફ્ફરપુર પહોંચી ગયા. 2020ના આંકડા મુજબ, તેમની પાસે કુલ આઠ કરોડ રૂપિયાની સંપત્તિ હતી.
આ પણ વાંચો…બિહાર ચૂંટણીમાં ગુજરાતના કયા 10 આઈએએસને ચૂંટણી નિરીક્ષક તરીકે મુકવામાં આવ્યા, જુઓ લિસ્ટ