
રામપુર: પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા(Jaya Prada)ને ચૂંટણી આચાર સંહિતા ભંગ સંબંધિત બે કેસમાં ‘ફરાર’ જાહેર કરવામાં આવ્યા હતા. હવે તેઓ ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ની રામપુર કોર્ટમાં હાજર થયા હતા. પરતું કોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ જાહેર કરાયેલા વોરંટને પણ પાછું ખેંચી લીધું હતું. ગઈ કાલે સોમવારે, જયા પ્રદા અચાનક કોર્ટમાં પહોંચી ગયા, ત્યાર બાદ તેઓ સુનાવણી માટે જજ સમક્ષ હાજર થાય હતા.
જયા પ્રદા 2019ની લોકસભા ચૂંટણીમાં રામપુર બેઠક પર ભાજપના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના આઝમ ખાન સામે તેમની હાર થઇ હતી. જોકે આગાઉ જયા પ્રદા 2004 અને 2009માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર રામપુરથી લોકસભામાં ચૂંટાયા હતા. પરંતુ બાદમાં પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા હતા.
આચારસંહિતા ભંગ કરવાના કેસમાં MP-MLA સ્પેશિયલ કોર્ટે અનેક વખત તેમને સમન્સ પાઠવ્યા હતા પરંતુ તેઓ કોર્ટ સમક્ષ હાજર થયા ન હતા. ત્યાર બાદ તેમની સામે સાત વખત બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ તેમને કોર્ટમાં રજૂ કરી શકી ન હતી.
ત્યાર બાદ 27મી ફેબ્રુઆરીએ કોર્ટે જયા પ્રદાને ‘ફરાર’ જાહેર કર્યા હતા. તેમજ પોલીસને તેમની ધરપકડ કરવા અને 6 માર્ચે તેની સમક્ષ હાજર કરવા નિર્દેશ આપ્યો હતો. ગઈ કાલે સોમવારે જયા પ્રદા તેમના વકીલો સાથે રામપુર પહોંચ્યા હતા અને MP-MLA સ્પેશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ શોભિત બંસલની કોર્ટમાં હાજર થયા.
કોર્ટના 27 ફેબ્રુઆરીના આદેશ બાદ પોલીસને તેમની ધરપકડ કરવા કહ્યું હતું, જયા પ્રદાએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં તેમની સામે જાહેર કરાયેલા બિનજામીનપાત્ર વોરંટ રદ કરવામાં આવે છે. જોકે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.