જયા બચ્ચન ફરી વિવાદમાં: સેલ્ફી લેવા ગયેલા યુવકને ધક્કો મારતો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર યૂઝરે અભિનેત્રી કમ સાંસદની ઝાટકણી કાઢી

નવી દિલ્હી: જાણીતા અભિનેત્રી કમ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટી (સપા)નાં સાંસદ જયા બચ્ચન અવારનવાર ચર્ચામાં રહે છે. સંસદમાં સભાપતિ સામે દલીલ કરવાથી લઈને જાહેર સ્થળોએ પાપારાઝી સાથે ઝઘડી પડવામાં જયા બચ્ચનને વાર લાગતી નથી. આજે સોશિયલ મીડિયા પર યુવકને ધક્કો મારવાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સામાન્ય વાતમાં ગુસ્સે થવાના સ્વભાવ પર યૂઝરે પણ અનેક સવાલો કર્યા હતા.
સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચન ફરી એકવાર તેમના ગુસ્સાવાળા સ્વભાવને કારણે ચર્ચામાં આવ્યા. આજે દિલ્હીના કૉન્સ્ટિટ્યુશન ક્લબમાં એક વ્યક્તિએ જયા બચ્ચન સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી જયા બચ્ચન રોષે ભરાયા હતા. જયા બચ્ચને સેલ્ફી લેતા વ્યક્તિને ધક્કો મારીને ગુસ્સામાં કહ્યું હતું કે તમે શું કરી રહ્યા છો? આ શું છે?” જયા બચ્ચનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
કંગના રનૌતની આક્રમક પ્રતિક્રિયા
જયા બચ્ચનના વાયરલ વીડિયોને લઈને હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના રનૌતે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જયા બચ્ચનનો વાયરલ વીડિયો શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
કંગના રનૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે સૌથી બગડેલી અને વિશેષાધિકાર પ્રાપ્ત મહિલા ગણાવી હતી. કંગનાએ લખ્યું હતું કે લોકો તેમના ગુસ્સાને એટલા માટે સહન કરે છે, કારણ કે તેઓ અમિતાભ બચ્ચનના પત્ની છે. કંગના રનૌતે આગળ જણાવ્યું કે સમાજવાદી પાર્ટીની ટોપી કૂકડાના કાંસકા જેવી દેખાય છે. જ્યારે જયા બચ્ચન લડતા કુકડા જેવા દેખાય છે. કેટલી શરમજનક વાત છે.
જયા બચ્ચનના સ્વભાવની સંસદમાં ચર્ચા
રાજ્યસભામાં ‘ઑપરેશન સિંદૂર’ અંગે ચર્ચા દરમિયાન જ્યારે જયા બચ્ચન પોતાનું ભાષણ આપી રહ્યા હતા, ત્યારે સત્તાપક્ષના સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. જેને લઈને જયા બચ્ચને પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, “કોઈ મને ટોકશે તો હું ચૂપ થઈ જઈશ નહીં પછી મને સમય આપવો પડશે.”
ઉલ્લેખનીય છે કે, અગાઉના સત્રમાં જયા બચ્ચને ઉપસભાપતિ સામે તેમનું પૂરૂ નામ બોલવા સામે વાંધો ઉઠાવ્યો હતો ત્યાર બાદ આ અંગે ઘણી ચર્ચા થઈ હતી. તત્કાલિન સભાપતિ જગદીપ ઘનખડે તેઓને પોતાનું નામ સુધારાવી દેવાની સલાહ આપી હતી.