સોમનાથ મંદિરનું આમંત્રણ જવાહરલાલ નેહરુ નકાર્યું હતું…’ ભાજપના આરોપ સામે કોંગ્રેસનો જવાબ
નવી દિલ્હી: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવ માટે મળેલા આમંત્રણને કોંગ્રેસ નેતાઓએ ફગાવી દીધું છે. કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પાર્ટીના નેતાઓ રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે નહીં. આ અંગે ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને સોમનાથ મંદિર અંગે જવાહરલાલ નેહરુના સ્ટેન્ડનો ઉલ્લેખ કર્યો. 1951માં સોમનાથ મંદિરના ઉદ્ઘાટન સમયે જવાહરલાલ નહેરુના વલણ અંગે નિવેદન આપ્યા હતા.
બુધવારે કોંગ્રેસે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. ચૂંટણીમાં લાભ ખાટવા માટે અધૂરા મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, આ ભાજપ અને આરએસએસની ઇવેન્ટ માત્ર છે. તેથી, કોંગ્રેસ પાર્ટી આદરપૂર્વક આમંત્રણનો અસ્વીકાર કરે છે.
કોંગ્રેસના સત્તાવાર નિવેદન બાદ ભાજપ આક્રમક બન્યું છે. ભાજપના નેતાઓએ ગુરુવારે કોંગ્રેસને ‘રામ-વિરોધી’ ગણાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે કેવી રીતે દેશના પ્રથમ વડા પ્રધાન અને કોંગ્રેસના નેતા જવાહરલાલ નેહરુએ સોમનાથ મંદિરના પુનર્નિર્માણ અને ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. ભાજપનું કહેવું છે કે નેહરુએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે નહેરુની અવગણના કરી અને સોમનાથ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો.
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ગુરુવારે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરે છે. દરેક વસ્તુનો બહિષ્કાર. આ ગાંધી (મહાત્મા ગાંધી)ની નહીં, પણ નેહરુ (જવાહરલાલ નહેરુ)ની કોંગ્રેસ છે. જ્યારે પણ ભારતનો ઈતિહાસ વળાંક લઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ તે ક્ષણ સાથે ઉભા રહેવાને બદલે તેનો બહિષ્કાર કરે છે. ઈન્દિરા ગાંધીના સમયમાં કાર સેવકો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. રાજીવ ગાંધી અને પીવી નરસિમ્હાના સમયમાં જે શું શું નહોતું બન્યું! સોનિયા ગાંધીના સમયમાં રામ કાલ્પનિક બની ગયા. રામ મંદિરના અભિષેક સમારોહમાં બાબરીના સમર્થકો પણ આવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ શા માટે કરી વિરોધ રહી છે?
સુધાંશુએ જવાહર લાલ નહેરુનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જ્યારે સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી હતી, ત્યારે જવાહરલાલ નહેરુજીએ 24 એપ્રિલ, 1951ના રોજ સૌરાષ્ટ્રના તત્કાલિન પ્રમુખને પત્ર લખીને કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં આ સમારોહ માટે દિલ્હીથી આવવું અશક્ય છે. હું આ પુનરુત્થાનવાદથી ખૂબ જ પરેશાન છું. મારા માટે એ વાત ખૂબ જ પીડાદાયક છે કે મારા રાષ્ટ્રપતિ, મારા કેટલાક પ્રધાનો અને તમે સોમનાથની આ ઉજવણી સાથે જોડાયેલા છો અને મને લાગે છે કે આ મારા દેશની પ્રગતિ સાથે સુસંગત નથી, તેના પરિણામો સારા નહિ આવે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. જયરામે કહ્યું કે, સુધાંશુ ત્રિવેદીએ સોમનાથ મંદિરમાં પંડિત નેહરુના કેટલાક પત્રો હવામાં લહેરાવ્યા, તત્કાલીન ગૃહ પ્રધાન રાજાજી અને તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને લખેલા આ પત્રો ઓનલાઈન ઉપલબ્ધ છે. જયરામ રમેશે એક પોસ્ટમાં જણાવ્યું હતું નેહરુ સંપૂર્ણપણે પારદર્શક હતા અને તેઓ લખેલા દસ્તાવેજો પાછળ છોડીને ગયા છે, આ પત્રો તેમના દ્વારા વ્યક્તિગત રીતે લખવામાં આવ્યા હતા. આ વિષય પર કેટલાક વધુ પત્રો છે, જે સુધાંશુ ત્રિવેદીએ બતાવ્યા નથી.
કોંગ્રેસે 11 માર્ચ 1951ના રોજ તત્કાલિન ગૃહ પ્રધાન સી રાજગોપાલાચારીને પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા લખાયેલો પત્ર શેર કર્યો હતો. જેમાં નેહરુએ લખ્યું હતું કે, મેં તેમને લખ્યું છે કે આ મંદિરમાં કે અન્ય કોઈ મંદિરમાં કે સામાન્ય રીતે અન્ય કોઈ પૂજાસ્થળમાં તેમના જવા અને પૂજા કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ આ ખાસ પ્રસંગે એટલે કે આ દિવસે જવાનો અલગ જ મતલબ નીકળશે. આની કેટલીક અસરો હશે.
પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ પણ આ કાર્ય સાથે જોડાવા આતુર છે. મને ખબર નથી કે તેઓએ આ ન કરવું જોઈએ એવો આગ્રહ રાખવો મારા માટે યોગ્ય છે કે કેમ. હું તેમને તમારી સલાહ મુજબ કહેવાનો પ્રસ્તાવ મૂકું છું કે આ બાબતમાં તેમની પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે નિર્ણય લેશે. તેમ છતાં મને લાગે છે કે તેમના માટે ત્યાં ન જવું વધુ સારું રહેશે.
13 માર્ચ, 1951ના રોજ નહેરુએ સોમનાથ મંદિરની મુલાકાત વખતે તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને એક પત્ર લખીને કહ્યું હતું કે જો તમને લાગે છે કે આમંત્રણ નકારવું તમારા માટે યોગ્ય નથી, તો હું દબાણ કરવા માંગતો નથી. .નેહરુએ પ્રસાદને લખ્યું કે સોમનાથ મંદિરની તેમની મુલાકાત ‘ચોક્કસ રાજકીય મહત્વ’ માટે થઇ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સંસદમાં તેમને આ વિશે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી.