નેશનલ

દિલ્હી બ્લાસ્ટ: સુસાઈડ બોમ્બર બનાવામાં જસીરે પીછેહઠ કરી અને હુમલાના માસ્ટરમાઇન્ડ ઉમરે પોતે આપ્યો જીવ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર આ આતંકી હુમલામાં એક નહીં, પરંતુ બે આત્મઘાતી હુમલાખોરો (સુસાઇડ બોમ્બર) સામેલ થવાના હતા. કાઝીગુંડ, કાશ્મીરના રહેવાસી જસીર બિલાલ (ઉર્ફ દાનિશ)ને માસ્ટરમાઇન્ડ ડોક્ટર ઉમર નબીએ આત્મઘાતી હુમલાખોર બનવા માટે તૈયાર કર્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ જસીરે પીછેહઠ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

જસીરે જણાવ્યું કે ઇસ્લામમાં આત્મહત્યાને ગુનો ગણવામાં આવે છે, અને આ કારણે તેણે હુમલો કરવાનો ઇનકાર કરી દીધો. જસીરને હાલમાં શ્રીનગર પોલીસ દ્વારા દિલ્હી વિસ્ફોટ અને “વ્હાઇટ કોલર ટેરર ​​મોડ્યુલ”ના સંબંધમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેને આજે દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

તપાસ એજન્સીએ જણાવ્યું કે રાજનીતિ વિજ્ઞાનના વિદ્યાર્થી જસીર બિલાલને ઓક્ટોબર 2023માં આ ગેંગના સભ્યો મળ્યા હતા. ત્યાર બાદ તેને હરિયાણાના ફરિદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટી નજીક એક ભાડાના મકાનમાં લઈ જવામાં આવ્યો, જ્યાં યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ઉમર નબીએ મહિનાઓ સુધી તેનું બ્રેઇનવોશ કર્યું હતું. ડો. ઉમર નબીએ જસીરને આત્મઘાતી હુમલાખોર બનાવવા પર ભાર મૂક્યો હતો.

જોકે, એપ્રિલ 2025માં જ્યારે તેને હુમલો કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે જસીરે તેના પરિવારની નબળી આર્થિક સ્થિતિ અને સૌથી અગત્યનું, ઇસ્લામમાં આત્મહત્યાના નિષેધના કારણો આપીને ઇનકાર કરી દીધો. જસીરના ઇનકાર પછી ડો. ઉમર નબી પોતે જ આત્મઘાતી હુમલાખોર બન્યા અને 10 નવેમ્બર, 2025ના રોજ લાલ કિલ્લા પાસે વિસ્ફોટકોથી ભરેલી કાર ચલાવી, જેમાં 14 લોકો માર્યા ગયા. કારમાં મળેલા અવશેષોના ડીએનએ નમૂના ડો. ઉમરની માતાના ડીએનએ સાથે મેચ થતાં તેની ઓળખની પુષ્ટિ થઈ હતી.

આ સમગ્ર કેસમાં શિક્ષણ જગતના ઉચ્ચ શિક્ષિત લોકો, જેમ કે ડોક્ટરો અને પ્રોફેસરોની કથિત સંડોવણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. દરમિયાન, આતંકવાદી ડો. ઉમર નબીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે અંગ્રેજીમાં નિવેદન આપતો અને સુસાઇડ બોમ્બિંગને યોગ્ય ઠેરવતો જોવા મળે છે. જસીરની ધરપકડથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આ આંતર-રાજ્ય આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવામાં જમ્મુ-કાશ્મીર પોલીસને મદદ મળી છે.

આપણ વાંચો:  દિલ્હીમાં ત્રણ કોર્ટ અને બે શાળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, કાર્યવાહી ખોરવાઈ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button